News Continuous Bureau | Mumbai
ઇઝરાયેલના વડા પ્રધાન નફ્તાલી બેનેટ આવતા મહિને એટલે કે 2 એપ્રિલે પ્રથમ વખત ભારતની સત્તાવાર મુલાકાતે આવશે. નફ્તાલી બેનેટે કહ્યું કે તેઓ રાજદ્વારી સંબંધોની સ્થાપનાની 30મી વર્ષગાંઠ નિમિત્તે એપ્રિલના પ્રથમ સપ્તાહમાં ભારતની મુલાકાત લેશે. સાથે એમ પણ કહ્યું કે ભારત-ઈઝરાયેલ સંબંધો અર્થપૂર્ણ સહયોગ પર આધારિત છે. આ મુલાકાતનો હેતુ બંને દેશો વચ્ચે નવીનતા અને ટેકનોલોજી, સુરક્ષા અને સાયબર જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારવાનો છે. આ સિવાય આ મુલાકાતનો હેતુ કૃષિ અને જળવાયુ પરિવર્તનના ક્ષેત્રોમાં ચાલી રહેલા સહયોગને વિસ્તારવાનો છે.
ઈઝરાયેલના પીએમના વિદેશી મીડિયા સલાહકારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “વડાપ્રધાન નફ્તાલી બેનેટ શનિવારે, ૨ એપ્રિલ, ૨૦૨૨ના રોજ ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણ પર ભારતની તેમની પ્રથમ સત્તાવાર મુલાકાત કરશે. બેનેટની આ મુલાકાત ચાર દિવસની હશે, જે ૨ એપ્રિલથી ૫ એપ્રિલ સુધી ચાલશે.
આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રના આ જિલ્લામાં મહિલાઓ માટે ખાસ સુવિધા, સ્માર્ટ કાર્ડ દ્વારા વિનામુલ્યે કરી શક્શે બસ મુસાફરી; જાણો વિગતે
મીડિયા સલાહકારે કહ્યું “મુલાકાતનો હેતુ બંને દેશો વચ્ચેના વ્યૂહાત્મક જાેડાણને આગળ વધારવાનો, દ્વિપક્ષીય સંબંધોને મજબૂત અને વિસ્તૃત કરવાનો છે. આ ઉપરાંત બંને નેતાઓ નવીનતા, અર્થતંત્ર, સંશોધન અને વિકાસ, કૃષિ અને અન્ય મુદ્દાઓ સહિત વિવિધ ક્ષેત્રોમાં સહકારને મજબૂત કરવા પર ચર્ચા કરશે. બેનેટ તેમની મુલાકાત દરમિયાન તેમના ભારતીય સમકક્ષ, વરિષ્ઠ સરકારી અધિકારીઓ અને સ્થાનિક યહૂદી સમુદાયને પણ મળશે. નિવેદનમાં જણાવાયું છે કે યાત્રાની વધારાની વિગતો અલગથી જાહેર કરવામાં આવશે.
નફતાલી બેનેટે જણાવ્યું હતું કે, મારા મિત્ર વડાપ્રધાન મોદીના આમંત્રણ પર ભારતની મારી પ્રથમ સત્તાવાર મુલાકાત લઈને હું ખુશ છું. અમે સાથે મળીને અમારા દેશોના સંબંધોને આગળ લઈ જઈશું. તેમણે કહ્યું પીએમ મોદીએ ભારત અને ઈઝરાયેલ વચ્ચેના સંબંધો ફરી શરૂ કર્યા અને આ ઐતિહાસિક મહત્વ ધરાવે છે. અમારી બે અનન્ય સંસ્કૃતિઓ (ભારતીય સંસ્કૃતિ અને યહૂદી સંસ્કૃતિ) વચ્ચેના સંબંધો ઊંડા છે અને તેઓ પ્રશંસા અને અર્થપૂર્ણ સહયોગ પર આધાર રાખે છે.