News Continuous Bureau | Mumbai
Jammu – Kashmir: જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લાના ચાસના નજીક સોમવારે (4 સપ્ટેમ્બર) સર્ચ ઓપરેશન દરમિયાન ભારતીય સેના અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. અત્યાર સુધીમાં એક આતંકી માર્યો ગયો છે. તેમજ એક પોલીસકર્મી ઘાયલ થયો છે.
એડીજીપી મુકેશ સિંહે જણાવ્યું કે, પોલીસને સોમવારે બે આતંકવાદીઓની હાજરી અંગે ઈનપુટ મળ્યા હતા. જેના આધારે આ એન્કાઉન્ટર શરૂ થયું હતું. ચાસણાના તુલી વિસ્તારમાં ગલી સોહેબમાં એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. પોલીસ અને સેના ઓપરેશન ચલાવી રહી છે. એક આતંકવાદી(Terrorist) માર્યો ગયો છે. દરમિયાન ઘાયલ પોલીસકર્મીને સારવાર માટે મોકલવામાં આવ્યા છે.
પૂંછમાં ચાર આતંકવાદીઓ માર્યા ગયા હતા
આ પહેલા જુલાઈ મહિનામાં પણ સુરક્ષા દળોએ ચાર આતંકીઓને ઠાર કર્યા હતા. જમ્મુ-કાશ્મીર પોલીસે જણાવ્યું હતું કે પૂંછના સિંધરા વિસ્તારમાં પોલીસ સાથે સંયુક્ત ઓપરેશનમાં સુરક્ષા દળોએ ચાર આતંકવાદીઓને ઠાર માર્યા હતા. સુરનકોટ બેલ્ટના સિંધરા ટોપ વિસ્તારમાં સંયુક્ત ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું, જેના પગલે ફાયરિંગ થયું હતું.
આ સમાચાર પણ વાંચો : G20 Summit : શી જિનપિંગ નહીં આવે ભારત, ચીને કરી પુષ્ટિ, જાણો હવે તેમના સ્થાને કોણ આવી રહ્યું છે?
ભારતીય સેના (Indian Army) ના અધિકારીઓએ કહ્યું હતું કે આર્મી સ્પેશિયલ ફોર્સ, રાષ્ટ્રીય રાઈફલ્સ અને જમ્મુ અને કાશ્મીર (Jammu Kashmir) પોલીસના જવાનો અન્ય દળો સાથે ઓપરેશનનો ભાગ હતા. ઓપરેશનમાં માર્યા ગયેલા આતંકવાદીઓ સંભવતઃ વિદેશી આતંકવાદીઓ છે.
ઘૂસણખોરીનો પ્રયાસ પણ નિષ્ફળ ગયો
આ સિવાય ઓગસ્ટ મહિનામાં પણ સેનાએ જમ્મુ-કાશ્મીરના પૂંછ જિલ્લામાં નિયંત્રણ રેખા પાસે બે પાકિસ્તાની આતંકવાદીઓને ઠાર કરીને ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે બાલાકોટ સેક્ટરમાં એન્કાઉન્ટર સ્થળ પરથી એક એકે-47 રાઇફલ, બે મેગેઝીન, 30 રાઉન્ડ, બે હેન્ડ ગ્રેનેડ અને પાકિસ્તાની મૂળની કેટલીક દવાઓ મળી આવી હતી.