ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 22 મે 2021
શનિવાર
પશ્ચિમ બંગાળના કોલકતાનાં નિવાસી 93 વર્ષનાં જ્યોત્સ્ના બોઝે મૃત્યુ બાદ પણ લોકો માટે અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. કોવિડ-19 પર રિસર્ચ કરી શકાય એ માટે કોરોનાગ્રસ્ત જ્યોત્સ્ના બોઝે મૃત્યુ બાદ પોતાના શરીરનું દાન કરવાનો નિર્ણય લીધો હતો. હૉસ્પિટલમાં સારવાર દરમિયાન બે દિવસમાં તેમનું મૃત્યુ થયું હતું, ત્યાર બાદ તેમના શરીરનું દાન કરવામાં આવ્યું છે. કોરોનાનો ચેપ લાગ્યા બાદ શરીરનું દાન કરનારાં જ્યોત્સ્ના બોઝ પ્રથમ ભારતીય મહિલા નાગરિક બન્યાં છે.
અહીં ઉલ્લેખનીય છે કે જ્યોત્સ્ના બોઝ પ્રથમ કોરોનાગ્રસ્ત મહિલા દર્દી છે, જેમણે પોતાના શરીરનું દાન કર્યું છે. જોકે દેશમાં કોરોનાથી મૃત્યુ થયા બાદ સૌપ્રથમ શરીરનું દાન કરનારી વ્યક્તિ પશ્ચિમ બંગાળના નેત્રરોગ નિષ્ણાત ડૉ. બિશ્વજિત ચ્રકવતી છે. તેઓ એક બિનસામાજિક સંસ્થા સાથે પણ જોડાયેલા હતા.
મૂળ બાંગ્લાદેશના ચિત્તાગોંગમાં 1927માં જન્મેલા ભૂતપૂર્વ ટ્રેડ યુનિયન નેતા જ્યોત્સ્ના બોઝને કોરોનાનો ચેપ લાગ્યો હતો. તેઓને 14 મેના સારવાર માટે હૉસ્પિટલ દાખલ કરવામાં આવ્યાં હતાં. જોકે બે દિવસમાં જ તેઓ મૃત્યુ પામ્યાં હતાં. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન પરિવાર સાથે બર્માથી પાછા આવતી વખતે તેમના પિતા લાપતા થઈ ગયા હતા, ત્યારથી તેમનો પરિવાર આર્થિક સંકટમાં હતો. એથી પોતાનો અભ્યાસ પડતો મૂકીને તેમણે નોકરી ચાલુ કરી હતી. 1946માં તેઓ ટ્રેડ યુનિયન આંદોલનમાં જોડાયાં હતાં