ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૯ મે ૨૦૨૧
શનિવાર
કોરોના વાયરસથી પીડાતા દર્દીઓ માટે સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (ડિફેન્સ રિસર્ચ ઍન્ડ ડેવલપમેન્ટ ઑર્ગેનાઇઝેશન – DRDO)એ 2-DG દવા બનાવી હતી, જેને ભારતના ઔષધિ મહાનિયંત્રક (ડ્રગ કન્ટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયા – DCGI) દ્વારા મંજૂરી મળી હતી. આ દવાની કિંમત આજે જાહેર કરવામાં આવી છે.
2-DG દવાના એક પાઉચની કિંમત ૯૯૦ રૂપિયા નક્કી કરવામાં આવી છે. સરકારી હૉસ્પિટલો, કેન્દ્ર અને રાજ્ય સરકારોને આ દવા રાહતદરે ઉપલબ્ધ કરાવવામાં આવશે. DRDOએ કોરોનાની બીજી લહેરમાં ઝડપથી સંક્રમિત થતા કોરોનાના દર્દીઓમાં ઘટતા ઑક્સિજન લેવલને સારું કરવા માટે કોવિડ-૧૯ વિરોધી દવા 2-DG લૉન્ચ કરી હતી. આ દવાના લૉચિંગ સમયે કેન્દ્રીય સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ અને સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધન પણ હજાર રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે દવા એક રીતે સૂડો ગ્લુકોઝ મોલેકલ છે, જે કોરોના વાયરસને વધતાં અટકાવે છે. આ દવા પાઉડર સ્વરૂપમાં છે, એને પાણીમાં ઘોળીને દર્દીને આપવી પડે છે. આ દવાને ગંભીર લક્ષણના દર્દીઓની સારવારમાં ઉપયોગ કરવાની પરવાનગી આપવામાં આવી છે.