News Continuous Bureau | Mumbai
Loksabha election 2024 : લોકસભા સામાન્ય ચૂંટણીમાં ત્રીજા તબક્કામાં થનારા મતદાન માટે તારીખ 12મી એપ્રિલથી ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. અમદાવાદ સહિત ગુજરાતની વિવિધ અલગ અલગ લોકસભા બેઠકો પર ઉમેદવારો પોતાના ઉમેદવારીપત્રો ભરી રહ્યા છે. મતદાન કરવા જનાર દરેક મતદારે પોતાના ઉમેદવાર વિશે જાણવું જરૂરી છે, જેથી તેઓ પોતાનો મત આપવાનો નિર્ણય લઈ શકે.
દેશના ચૂંટણી પંચ દ્વારા મતદારોને તેમના ઉમેદવારના ગુનાહિત ઇતિહાસ અંગેની માહિતી પૂરી પાડવા માટે નો યોર કેન્ડિડેટ(Know Your Candidate – KYC) એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. આ એપ્લિકેશન એન્ડ્રોઇડ અને iOS એમ બંને પ્રકારના ઓપરેટિંગ સિસ્ટમ ધરાવતા ડિવાઇસ પર ઉપલબ્ધ છે.
Loksabha election 2024 : નામાંકન થયેલા ઉમેદવારોનું લિસ્ટ જોઈ શકે છે
કેવાયસી(KYC) એપ્લિકેશન પર મતદારો ચૂંટણી પ્રકાર અને એસી (એસેમ્બલી કન્સ્ટિટ્યૂઅન્સી)/પીસી (પાર્લામેન્ટરી કન્સ્ટિટ્યૂઅન્સી)ની વિગતો એન્ટર કરીને અથવા ઉમેદવારનું નામ એન્ટર કરીને નામાંકન થયેલા ઉમેદવારોનું લિસ્ટ જોઈ શકે છે. જે તે ઉમેદવારના નામ પર ક્લિક કરીને ઉમેદવારની પાર્ટી, ઉંમર, સરનામું, એફિડેવિટ (ફોર્મ – 26), જે તે રાજ્ય અને તેની વિધાનસભા/લોકસભા બેઠકનું નામ સહિતની વિગતો જોઈ શકાય છે.
આ મોબાઇલ એપ્લિકેશન નાગરિકોને ચૂંટણી લડતા ઉમેદવારોના ગુનાહિત ઇતિહાસ (જો હોય તો) વિશે જાણવામાં મદદ કરે છે. ઉમેદવાર સામે દાખલ કરવામાં આવેલા કોઈપણ ફોજદારી કેસોની વિગતો, તે કેસોની સ્થિતિ અને ગુનાઓની પ્રકૃતિ સહિતની વિગતો આ એપ પરથી મેળવી શકાય છે.
Loksabha election 2024 : ગુનાહિત પ્રવૃત્તિયુક્ત ઇતિહાસ ધરાવતા ઉમેદવારોને ઓળખવામાં મદદ કરી શકે છે
કેવાયસી (KYC) એપ નાગરિકો માટે કોને મત આપવો તે અંગે માહિતીસભર નિર્ણયો લેવા માટે ઉપયોગી એપ છે. તે મતદારોને ગુનાહિત પ્રવૃત્તિયુક્ત ઇતિહાસ ધરાવતા ઉમેદવારોને ઓળખવામાં અને તેમને મત આપવાનું ટાળવામાં મદદ કરી શકે છે. આ એપ ચૂંટણીમાં પારદર્શિતા અને જવાબદારીને પ્રોત્સાહન આપવામાં પણ મદદ કરી શકે છે.
KYC(Know Your Candidate) એપ્લિકેશન ઇસીઆઈની વેબસાઇટ અથવા ગૂગલ પ્લે સ્ટોર અથવા એપલ એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાય છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.