એર-ઈન્ડિયાની ફ્લાઈટમાં પેશાબ કાંડ બાદ હવે વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક અમેરિકન મુસાફર ધૂમ્રપાન કરતો પકડાયો હતો. મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર લંડનથી મુંબઈ જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI130માં એક અમેરિકન મુસાફર ટોઈલેટમાં સિગારેટ પી રહ્યો હતો. જ્યારે ક્રૂ મેમ્બરોએ તેને રોક્યો તો તેણે બૂમો પાડવાનું શરૂ કર્યું. એટલું જ નહીં ક્રૂ મેમ્બર્સના કહેવા પ્રમાણે મુસાફરે ફ્લાઈટનો દરવાજો ખોલવાનો પણ પ્રયાસ કર્યો હતો. આ પછી ક્રૂ મેમ્બરોએ તેના હાથ-પગ બાંધીને તેને સીટ પર બેસાડ્યો.
જોકે ફ્લાઈટ લેન્ડ થયા બાદ પેસેન્જરને સહાર પોલીસને સોંપવામાં આવ્યો હતો. જ્યાં પોલીસે તેને કસ્ટડીમાં લઈ આઈપીસીની વિવિધ કલમો હેઠળ કેસ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ મામલે પોલીસે જણાવ્યું કે યાત્રીની મેડિકલ તપાસ કરવામાં આવશે. એક અધિકારીએ જણાવ્યું કે, હાલમાં પેસેન્જરના સેમ્પલ મેડિકલ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા છે. અધિકારીએ કહ્યું કે આરોપી મુસાફર ભારતીય મૂળનો છે, પરંતુ તેની પાસે અમેરિકન નાગરિકતા છે. નિયમો અનુસાર, ફ્લાઇટમાં ધૂમ્રપાન કરનારની ધરપકડ થઈ શકે છે.
આ સમાચાર પણ વાંચો : વડા પ્રધાન મોદીએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર સાધ્યું નિશાન, લંડનમાં ભારત વિશે આપેલા નિવેદનને વખોડયું, બતાવ્યો અરીસો.. જાણો શું કહ્યું..
દરમિયાન એર ઈન્ડિયાએ જણાવ્યું કે 10 માર્ચે અમારી લંડન-મુંબઈ ફ્લાઈટ AI130માં એક મુસાફર ટોઈલેટમાં ધૂમ્રપાન કરતો જોવા મળ્યો હતો. ત્યાર બાદ વારંવારની ચેતવણીઓ છતાં તેણે અસભ્ય અને આક્રમક વર્તન કર્યું હતું. મુંબઈ પહોંચતા જ વિમાનને સુરક્ષા કર્મચારીઓને સોંપવામાં આવ્યો હતો. એરલાઈને કહ્યું કે નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA)ને આ ઘટના અંગે યોગ્ય રીતે જાણ કરવામાં આવી છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અમે આ મામલે ચાલી રહેલી તપાસમાં સંપૂર્ણ સહકાર આપી રહ્યા છીએ.