ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧3 જુલાઈ ૨૦૨૧
મંગળવાર
સર્વોચ્ચ અદાલતે અગાઉ રાજસ્થાનની શાળાઓને 15 ટકા ફી ઘટાડવાનો નિર્દેશ આપ્યો હતો. આ પાશ્વભૂમિ પર હવે મુંબઈ, પુણે અને નાસિકના કેટલાક વાલીઓએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે કે મહારાષ્ટ્રની શાળાઓની ફીમાં પણ 15 ટકાનો ઘટાડો કરવાનો આદેશ આપવામાં આવે. રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં એક સમાન શુલ્ક અધિનયમ કાયદો છે.
કોરોનાને કારણે લગભગ દરેક લોકોની કમર આર્થિક રીતે ભાંગી ગઈ છે. સુપ્રીમ કોર્ટે સ્કૂલોને ફી ન વધારવા સૂચન આપવું જોઈએ અને મહારાષ્ટ્રમાં માતા-પિતાને રાહત આપવી જોઈએ, એવી માગ પણ અરજીમાં કરવામાં આવી છે. બૉમ્બે હાઈકોર્ટે 3 માર્ચ, 2021ના રોજ ચાલી રહેલી સુનાવણીમાં શાળાઓને ફી વધારવાની મંજૂરી આપી હતી. હવે હાઈકોર્ટના આ નિર્ણયને પડકારતી એક અરજી સુપ્રીમ કોર્ટમાં વાલીઓ દ્વારા દાખલ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે રાજસ્થાનના વાલીઓની અરજીની સુનાવણી દરમિયાન સર્વોચ્ચ અદાલતે નોંધ્યું હતું કે ગત શૈક્ષણિક વર્ષમાં કોરોનાના સમયગાળા દરમિયાન શાળાઓનો ખર્ચ ઘટ્યો છે. ઑનલાઇન શિક્ષણથી શાળાઓના ખર્ચમાં ધરખમ ઘટાડો થયો છે. વાલીઓને પણ આનો ફાયદો મળવો જોઈએ અને સર્વોચ્ચ ન્યાયાલાયે વાલીઓના પક્ષમાં ચુકાદો આપતાં ખાનગી શાળાઓને ૧૫% ફી ઘટાડવા કહ્યું હતું.