News Continuous Bureau | Mumbai
મુંબઈના એક બેંક કર્મચારી, જેણે 127 લોકોના બેંક ખાતાઓમાંથી ₹16 કરોડની ઉચાપત કરી હતી, તેને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. EDએ અમદાવાદ જંકશન પર એક ચાલુ ટ્રેનમાં છટકું ગોઠવીને આરોપી હિતેશ સિંગલાને પકડ્યો હતો. હિતેશ સિંગલા બેંક ઑફ ઇન્ડિયાની બાંદ્રા સ્થિત ટર્નર રોડ શાખામાં કામ કરતો હતો. સિંગલાએ બુદ્ધિપૂર્વક 127 ખાતાધારકોના પૈસાની ઉચાપત કરી, જેમાં વરિષ્ઠ નાગરિકો, સગીરો, મૃત વ્યક્તિઓ અને નિષ્ક્રિય ખાતાઓનો સમાવેશ થાય છે.
કેવી રીતે આચરવામાં આવ્યું કૌભાંડ?
આરોપી સિંગલાએ ખાતાધારકોની પરવાનગી વગર ફિક્સ્ડ ડિપોઝિટ, પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF), વરિષ્ઠ નાગરિક બચત યોજના ખાતાઓ, બચત બેંક (SB) અને કરન્ટ એકાઉન્ટ્સમાંથી થોડા-થોડા કરીને કુલ ₹16 કરોડની ઉચાપત કરી હતી. સિંગલાએ આ તમામ પૈસા પોતાના SBI ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. ED આ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. આ કૌભાંડમાં સામેલ અન્ય એક બેંક અધિકારીની પણ ધરપકડ કરવામાં આવી છે, જેને સિંગલાએ ₹1.5 કરોડ આપ્યા હતા
આ સમાચાર પણ વાંચો : iPhone 17: 2 લાખના આઈફોન કરતા આ વસ્તુ માં રોકાણ કરવું વધુ સારું, ગોકુલ અધ્યક્ષ ની વાયરલ પોસ્ટથી ચર્ચા.
આરોપીની ધરપકડ અને કાર્યવાહી
ગ્રાહકો સાથે છેતરપિંડી કરવા બદલ CBIએ સિંગલા વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો નોંધ્યો હતો. ત્યારબાદ બેંકે તેને સસ્પેન્ડ કરી દીધો હતો. સિંગલા સામે ED દ્વારા મની લોન્ડરિંગનો પણ કેસ નોંધવામાં આવ્યો હતો અને તે છેલ્લા કેટલાક દિવસોથી ફરાર હતો. EDને માહિતી મળી હતી કે સિંગલા ઉજ્જૈનથી અમદાવાદ આવવાનો છે. આ માહિતીના આધારે EDએ ઇન્દોર-વેરાવળ મહામના એક્સપ્રેસમાં છટકું ગોઠવ્યું અને સ્થાનિક ED અધિકારીઓ સાથે સંપર્ક કરીને સિંગલાને ઝડપી પાડ્યો.