ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
6 જુન 2020
ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યોમાં ભારે વરસાદની આગાહી. હવામાન ખાતા અનુસાર, આજથી લઇને 9 જૂન દરમ્યાન દિલ્હી સહિત દેશનાં 10 રાજ્યોમાં ભારે વરસાદ વરસવાની શક્યતા છે. તે ઉપરાંત વરસાદ સાથે કરા પડવાની પણ શક્યતાને કારણે કેટલાંક સ્થળોએ એલર્ટ પણ જાહેર કરી દેવાયું છે. ભારે વરસાદ અને પવન બાદ મહારાષ્ટ્ર અને ગુજરાત સિવાય મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને અન્ય કેટલાંક રાજ્યોમાં ભારે વરસાદ પડયો હતો.
વાવાઝોડાંને કારણે ભારે પવન સાથે વરસાદ બાદ કેટલાંક રાજ્યોમાં તો હવામાનમાં એકાએક ફેરફાર થતાં ચારે બાજુ વાદળછાયું વાતાવરણ સર્જાઇ ગયું હતું અને ઘણાં ખરાં રાજ્યોમાં ભારે વરસાદ વરસવા લાગ્યો હતો.
હિમાચલમાં ભારે વરસાદને કારણે કેટલીક જગ્યાએ ભૂસ્ખલન થયું છે.
ક્યાં કેટલો થશે વરસાદ એમ જોઈયે તો…
# મધ્ય મહારાષ્ટ્ર, પૂર્વોત્તર ભારત, કોસ્ટલ કર્ણાટક, કેરળ, દક્ષિણ કોંકણ અને ગોવા તથા આંદામાન-નિકોબાર ટાપુઓનાં વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.
# ગુજરાત, ઓડિશા, ઉત્તર કોસ્ટલ આંધ્રપ્રદેશ, પશ્ચિમ હિમાલય, આંતરિક કર્ણાટક અને દક્ષિણ-પૂર્વ રાજસ્થાનનાં ભાગોમાં પણ હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.
# હરિયાણા, પંજાબ, ઉત્તર રાજસ્થાન અને દિલ્હીમાં એક-બે સ્થળોએ પ્રી-મોન્સૂનની આગાહી પણ હવામાન વિભાગે કરી છે.
આમ હવે વિધિવત ચોમાસાની ઋતુ જામી રહી છે એમ કહી શકાય…