ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 11 જૂન 2021
શુક્રવાર
એક ભારતીય રાજ્યે હજારો અસંગત નોંધાયેલા કેસની શોધ બાદ એનો કોરોના મૃત્યાંક ઝડપથી વધારી દીધો છે અને ભારતમાં એકંદર મૃત્યુની સંખ્યા સત્તાવાર આંકડા કરતાં નોંધપાત્ર પ્રમાણમાં વધારે છે એવી શંકાને વજન આપ્યું છે. એપ્રિલ અને મે મહિનામાં કોરોના વાયરસની વિનાશક બીજી લહેર દરમિયાન હૉસ્પિટલોમાં બેડ્સ અને ઑક્સિજનની ભારે અછત સર્જાઈ હતી અને લોકો હૉસ્પિટલોની બહાર અને તેમનાં ઘરોમાં મૃત્યુ પામ્યા હતા. ડૉક્ટરો અને આરોગ્ય નિષ્ણાતોનું માનવું છે કે એમાંથી ઘણાં મૃત્યુ કોરોનામાં નોંધાયાં નથી.
આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ વિશ્વમાં કોરોના સંક્રમણના સૌથી વધુ કેસ ભારતમાં બીજા ક્રમે છે. બિહાર રાજ્યમાં કેટલાંક હજાર મૃત્યુની શોધથી એવી શંકા ઊભી થઈ છે કે ઘણા કોરોના વાયરસ પીડિતોનો સમાવેશ સત્તાવાર આંકડામાં કરવામાં આવ્યો નથી. ભારતના ગરીબ રાજ્યોમાંના એક બિહારના આરોગ્ય વિભાગે બુધવારે એની કુલ કોરોના સંબંધિત મૃત્યાંકની સંખ્યા ૫૪૨૪ જેટલી વધારી બુધવારે લગભગ ૯,૪૨૯ કરી નાખી છે.
જોકે જિલ્લા આરોગ્ય અધિકારીએ ખાનગી હૉસ્પિટલો માથે માછલાં ધોતાં એક મીડિયા હાઉસને જણાવ્યું હતું કે, તાજેતરમાં નોંધાયેલાં મોત ગયા મહિને થયાં હતાં અને રાજ્યના અધિકારીઓ આની તપાસ કરી રહ્યા છે. "આ મૃત્યુ ૧૫ દિવસ પહેલાં થયાં હતાં અને હવે એ ફક્ત સરકારી પૉર્ટલમાં અપલોડ કરવામાં આવ્યાં છે. કેટલીક ખાનગી હૉસ્પિટલો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે," એમ અધિકારીએ એક મીડિયા હાઉસને જણાવ્યું હતું. બિહાર બાદ મહારાષ્ટ્રમાં પણ કોરોનાનો મૃત્યાંક ૧૦ ટકા વધારે હોવાની વાત સામે આવી છે.
ઉપરાંત નવી દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના સેન્ટર ઑફ સોશિયલ મેડિસિન ઍન્ડ કૉમ્યુનિટી હેલ્થના વડા, રાજીબ દાસગુપ્તાએ એક મીડિયા હાઉસને જણાવ્યું હતું કે “અન્ડર-રિપૉર્ટિંગ એ એક વ્યાપક સમસ્યા છે, જાણી જોઈને નહીં પણ સંસાધનની અછતને લીધે.”
ઉલ્લેખનીય છે કે આ ગંભીર બીજી લહેર દરમિયાન અનેક સ્મશાનગૃહ સંઘર્ષ કરી રહ્યા હોવાથી, ઘણા પરિવારોએ પવિત્ર ગંગા નદીમાં મૃતદેહો મૂક્યા અથવા તેને તેની રેતીના કાંઠે છીછરી કબરોમાં દફનાવ્યા આવ્યા હતા. આ દર્શાવે છે કે કોરોનાની સ્થિતિ સરકારી આંકડામાં દેખાય છે તેના કરતા વધુ ગંભીર છે અને આ અંગે તપાસ થવી જ જોઈએ.