News Continuous Bureau | Mumbai
Mukesh Ambani Nathdwara visit શ્રી મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી હતી તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું હતું.
આ નવા તૈયાર થનારા સુવિધા સદનમાં 100થી વધુ રૂમ હશે, જે વૃદ્ધ વૈષ્ણવો અને આગંતુક ભક્તોને સુરક્ષિત, આરામદાયક અને ગરિમાપૂર્ણ નિવાસની સુવિધા પૂરી પાડશે. તેમાં 24 કલાક કાર્યરત મેડિકલ યુનિટ, નર્સિંગ અને ફિઝિયોથેરાપી સેવાઓ, સત્સંગ અને પ્રવચન હોલ, તેમજ પુષ્ટિમાર્ગીય થાળ-પ્રસાદ પ્રણાલિ પર આધારિત પરંપરાગત ભોજનાલયનો સમાવેશ થશે.
આ પવિત્ર પહેલને પૂજ્ય શ્રી વિશાલબાવા સાહેબની દિવ્ય પ્રેરણા અને શ્રી અનંત અંબાણીના સમર્પિત પ્રયાસોથી વેગ મળ્યો છે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ નાથદ્વારા પધારતા દરેક ભક્તને સેવા અને ભક્તિનાં મૂલ્યો જાળવતી સંયોજિત, કરુણાસભર અને માનસભર સેવા પ્રાપ્ત કરવાનો છે.
આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ ₹50 કરોડથી વધુ છે અને તે આગામી ત્રણ વર્ષમાં પૂર્ણ થવાની અપેક્ષા છે.
આ શુભપ્રસંગે શ્રી મુકેશ અંબાણીએ ચિરંજીવી શ્રી વિશાલબાવા સાહેબને વિનંતી કરી હતી કે, સમગ્ર પ્રોજેક્ટ દરમ્યાન પુષ્ટિમાર્ગની પવિત્રતા અને ગૌરવ સર્વોપરી રહે તે સુનિશ્ચિત કરાય. તેમણે જણાવ્યું હતું કે, “આપણને વૈષ્ણવ હોવાનું ગૌરવ હોવું જોઈએ — જે સનાતન હિંદુ ધર્મ અને આચાર્ય પરંપરાનું અનુસરણ કરે છે .”
આ સમાચાર પણ વાંચો : Ajit Pawar: અજિત પવારના પુત્રના જમીન વિવાદ પર એકનાથ શિંદેનું મોટું નિવેદન, ‘જે પણ પડકારો આવશે, અમે…’
શ્રી વિશાલબાવા સાહેબે પણ શ્રી અનંત અંબાણીની દીર્ઘદૃષ્ટિપૂર્ણ પહેલ, વનતારાની પ્રશંસા કરતાં તેને અદ્ભુત, અનન્ય અને વિશ્વભરમાં પ્રશંસા પામેલા સર્જન તરીકે વર્ણવ્યું હતું.
ભગવાન શ્રીનાથજીની દિવ્ય કૃપા અને તિલકાયત પરિવારના પવિત્ર માર્ગદર્શન હેઠળ “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન” ભક્તિમાર્ગના તેજસ્વી પ્રતિક તરીકે ઉભરી આવશે — જે નાથદ્વારામાં કરુણા અને સેવાના શાશ્વત મૂલ્યોને સમર્પિત એક દ્રષ્ટિવંત સીમાસ્તંભ સાબિત થશે.
