ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 7 ફેબ્રુઆરી 2022
સોમવાર.
કોરોના વિરુદ્ધની લડાઈમાં ભારતને મોટી કામગીરી પાર પાડી છે. દેશમાં ત્રીજી લહેર પણ ઓસરી રહી છે. એક તરફ દેશમાં છેલ્લા 24 કલાક દરમિયાન એક લાખથી પણ ઓછો કેસ નોંધાયા છે. તો બીજી તરફ કેન્દ્ર સરકારે કોરોના સામે લડવા કોરોનાની નવમી વૅક્સિનને મંજૂરી આપી છે.
કોરોનાના વાયરસ સામે વૅક્સિન સૌથી શક્તિશાળી હથિયાર માનવામાં આવે છે. કેન્દ્ર સરકાર દેશના દરેક નાગરિકને કોરોનાની રસી લેવા વિનંતી કરી રહી છે. હવે કોરોના સામેની લડાઈમાં ભારતને હવે વધુ એક રસી મળી છે. ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI) એ કોરોનાની સિંગલ-ડોઝ સ્પુટનિક લાઇટ્સ વૅક્સિનને ઈમરજન્સી ઉપયોગ કરવા માટે મંજૂરી આપી છે.
તેથી નાગરિકો હવે દેશમાં સ્પુટનિક લાઇટ રસીનો એક જ ડોઝ મેળવી શકશે. DCGI ની મંજૂરી બાદ દેશમાં આ 9મી રસી છે.
ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ભારતના DCGI એ રશિયાની સ્પુટનિક લાઇટ રસીના ત્રીજા તબક્કાના પરીક્ષણ માટે પરવાનગી આપી હતી. સ્પુટનિક લાઇટના પરીક્ષણને મંજૂરી આપવા માટે, કોરોના વિષય પર નિષ્ણાત સમિતિ દ્વારા ભલામણ કરવામાં આવી હતી. સ્પુટનિક લાઇટ રસી મેળવ્યા પછી કોઈપણ વ્યક્તિમાં કોઈ ખતરનાક આડઅસર નોંધાઈ નથી.
સ્પુટનિક-વી અને સ્પુટનિક લાઇટ વચ્ચેનો સૌથી મોટો તફાવત ડોઝ છે. સ્પુટનિક-વી રસીના બે ડોઝની જરૂર છે, જ્યારે સ્પુટનિક લાઇટનો એક ડોઝ પૂરતો છે. સ્પુટનિક લાઇટ સ્પુટનિક-વી કરતાં કોરોનાવાયરસ સામે વધુ અસરકારક હોવાનું લેન્સેટ અભ્યાસમાં જણાયું છે.