ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,15 જાન્યુઆરી 2022
શનિવાર
કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને તિરંગાનું સન્માન સુનિશ્ચિત કરવા માટે એડવાઇઝરી જારી કરવામાં આવી છે. આ એડવાઇઝરીમાં ભારતીય ધ્વજ સંહિતા(ઇન્ડિયન ફ્લેગ કોડ)નું કડકપણે પાલન કરવાના આદેશ આપ્યા છે.
ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી એડવાઈઝરીમાં કહેવાયું છે કે, રાષ્ટ્રીય, સાંસ્કૃતિક અને ખેલ આયોજનોના અવસરો પર ઈવેન્ટ બાદ જનતા દ્વારા ફરકાવવામાં આવેલા કાગળથી બનેલા રાષ્ટ્રીય ધ્વજને તોડવામાં ન આવે અને જમીન પર ફેંકવામાં પણ ન આવે. તેમજ આ પ્રકારના ધ્વજને ખાનગી રીતે ધ્વજની ગરિમાને અનુરૂપ નિકાલ કરવામાં આવે. તેમણે તમામ સરકારી કાર્યલયોથી તિરંગાના સન્માન માટે જન જાગરૂકતા કાર્યક્રમ ચલાવવાની પણ અપીલ કરી છે.
સાથે જ એડવાઇઝરીમાં ભારતીય ધ્વજ સંહિતાની જોગવાઈઓનું સઘન પાલન કરવા નિર્દેશ આપ્યો છે અને કહ્યું છે કે ભારતીય રાષ્ટ્રીય ધ્વજ આપણા દેશના લોકોની આશાઓ અને આકાંક્ષાઓનું પ્રતિનિધિત્વ કરે છે માટે તે સન્માનની સ્થિતિમાં હોવો જોઈએ. રાષ્ટ્રીય ધ્વજ માટે સાર્વભૌમિક સ્નેહ, સન્માન અને નિષ્ઠા છે. જોકે તેમ છતા ભારતીય ધ્વજ સંહિતાને લઇને લોકોની સાથે સરકારી સંગઠનો અને એજન્સીઓમાં જાગરૂકતાની કમી જોવા મળે છે.
ઉલ્લેખનીય છે કે દેશમાં પ્લાસ્ટિકના ધ્વજના ઉપયોગ પર પ્રતિબંધ છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ અંગે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર લખીને ફ્લેગ કોડ ઓફ ઈન્ડિયાનું કડકપણે પાલન કરવા જણાવ્યું છે. ગૃહ મંત્રાલયે જારી કરેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે પ્લાસ્ટિકના ઝંડા કાગળના ધ્વજની જેમ જૈવિક રીતે વિઘટિત થતા નથી. ધ્વજની ગરિમાને અનુરૂપ પ્લાસ્ટિકમાંથી બનેલા રાષ્ટ્રધ્વજનો યોગ્ય નિકાલ થાય તે સુનિશ્ચિત કરવું એ પણ એક વ્યવહારુ સમસ્યા છે. તેથી એ સુનિશ્ચિત કરવું જોઈએ કે ભારતીય ધ્વજ સંહિતા 2002 ની જોગવાઈઓ અનુસાર મહત્વપૂર્ણ રાષ્ટ્રીય, સાંસ્કૃતિક અને રમતગમતના પ્રસંગો પર જનતા દ્વારા માત્ર કાગળથી બનેલા ધ્વજનો ઉપયોગ કરવામાં આવે.
