ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 20 ઑગસ્ટ, 2021
શુક્રવાર
કોરોનાને નિયંત્રણમાં લાવવા વેક્સિન લેવી આવશ્યક છે. વેક્સિન લીધા બાદ પણ જોકે દેશમાં લોકો કોરોનાના ભોગ બની રહ્યા હોવાની ચોંકાવનારી વિગત બહાર આવી છે. દેશમાં વેક્સિનના બંને ડોઝ લીધેલા 87,000 લોકોને કોરોનાનો ચેપ લાગ્યો છે, એમાંથી 46 ટકા લોકો ફક્ત કેરળના હોવાનું બહાર આવ્યું છે, તો બાકીના 54 ટકા દેશના અન્ય રાજ્યના લોકો છે. કેન્દ્રના આરોગ્ય ખાતાના આ આંકડાથી ફરી એક વખત ચિંતા વ્યાપી ગઈ છે.
દેશમાં કોરોનાની બીજી લહેર નિયંત્રણમાં આવી ગઈ છે. કોરોનાના પ્રતિદિન નોંધાતા કેસમાં પણ ધરખમ ઘટાડો થયો છે. ગુરુવારે 40,000 કરતાં ઓછા નવા દર્દી નોંધાતાં થોડી રાહત થઈ છે, પરંતુ વેક્સિનના બંને ડોઝ લીધા બાદ પણ કોરોનાનો ચેપ લાગી રહ્યો છે, એને પગલે કેન્દ્રના આરોગ્ય ખાતાની ચિંતામાં ફરી વધારો થયો છે. એમાં પણ અન્ય રાજ્યોની સરખામણીમાં કેરળમાં વેક્સિન લીધા પછી પણ કોરોનાનો ચેપ લાગવાનું પ્રમાણ વધારે છે.
મોટા સમાચાર: આ તારીખ સુધીમાં દેશભરમાં લાગશે પ્રીપેડ સ્માર્ટ મીટર, બદલાશે વીજળીના બિલ ભરવાની પદ્ધતિ
કેરળમાં બ્રેકથ્રૂ ઇન્ફેક્શન (વેક્સિનના બંને ડોઝ લીધા પછી પણ લાગનારો ચેપ)ના 200 નમૂનાની જિનોમ સિક્વેન્સિંગ કરવામાં આવી હતી. જોકે અત્યાર સુધી કોઈ પણ નવા વેરિયન્ટ અથવા મ્યુટેશનની જાણ થઈ નથી.
મ્યુટેશનની પાર્શ્વભૂમિ પર બ્રેકથ્રૂ ઇન્ફેક્શન અને વિષાણુના ટ્રાન્સમિશન પર સરકાર નજર રાખી રહી છે. કેરળ, કર્ણાટક, તામિલનાડુમાં થઈ રહેલા ટ્રાન્સમિશન ઉપર પણ સરકારની ખાસ નજર છે. કર્ણાટકમાં ગયા અઠવાડિયામાં 12,000 બ્રેકથ્રૂ ઇન્ફેકશનના દર્દી નોંધાયા હતા.