ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 4 ઑગસ્ટ, 2021
બુધવાર
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે થયેલી કૅબિનેટની બેઠકમાં ઘણા બધા મુદ્દે નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમાં ન્યાય અને શિક્ષાને લઈને બે મોટા નિર્ણય લેવામાં આવ્યા છે. આ ઉપરાંત ઘણા મહત્વના મુદ્દે ચર્ચા પણ કરવામાં આવી. મિટિંગ બાદ કેન્દ્રીય સૂચના અને પ્રસારણ પ્રધાન અનુરાગ ઠાકુર અને કેન્દ્રીય શિક્ષાપ્રધાન ધર્મેન્દ્રએ પ્રેસ કૉન્ફેરન્સ દ્વારા આ મહત્વના નિર્ણય વિશે જાણકારી આપી. મીડિયા બ્રીફ સમયે કેન્દ્રીય પ્રધાન અન્નપૂર્ણાદેવી અને કેન્દ્રીય સૂચના અને પ્રસારણ રાજ્યકક્ષાના પ્રધાન એલ. મુરગન પણ સાથે હતા.
કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે મહિલાઓ અને બાળકો સાથે યૌનશોષણ થવા પર ફાસ્ટ ટ્રૅક કોર્ટની મંજૂરી આપવામાં આવી છે. ખાસ કરીને દુષ્કર્મના મામલે પીડિતોને ઝડપથી ન્યાય મળશે. તેમણે કહ્યું કે દેશમાં લગભગ 1023 ફાસ્ટ ટ્રૅક કોર્ટ છે, જે નિયમિત રીતે ચાલુ છે. જેમાંથી 389 પોકસો કોર્ટ છે, જે પોકસો ઍક્ટ અંતર્ગત આવેલી ફરિયાદની સુનાવણી કરે છે. વધુમાં તેમણે કહ્યું કે 2019માં આ યોજના બહાર પાડવામાં આવી હતી. આ યોજનામાં 1572.86 કરોડ રૂપિયા ખર્ચ થશે, જેમાંથી 971.70 કરોડ રૂપિયા કેન્દ્ર સરકાર આપશે અને બાકી રહેલ 601.16 કરોડ રૂપિયા રાજ્ય સરકાર ખર્ચ કરશે.
પાઈ પાઈનું મોહતાજ બન્યુ પાકિસ્તાન, પ્રધાનમંત્રીના આ નિવાસસ્થાનને ભાડે આપી રૂપિયા ભેગા કરાશે!
આ દરમિયાન કેન્દ્રીય પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે 2.94 લાખ કરોડ રૂપિયા સમગ્ર શિક્ષા-2 યોજના પાછળ ફાળવવામાં આવ્યા છે. આ યોજના અંતર્ગત શિક્ષામાં અભિનવ પ્રયોગોને આવરી લેવામાં આવ્યા છે. આવનાર સમયમાં નાનાં બાળકો માટે સરકારી સ્કૂલોમાં પણ પ્લે સ્કૂલ શરૂ કરવાની વાત કરવામાં આવી છે. જેમાં ત્રણ વર્ષનાં બાળકો રમતાં રમતાં ભણશે.