ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
12 માર્ચ 2021
ભારતમાં રસીકરણ અભિયાન વચ્ચે ફરી કોરોનાના કેસ વધતા સરકાર ચિંતામાં મુકાઇ છે. કોરોના મહામારી વિરુદ્ધ રસીકરણ અભિયાન તીવ્ર ગતિએ ચાલી રહ્યું છે. આ સાથે ભારત વિશ્વનો બીજો દેશ બની ગયો છે, જ્યાં સુધી અત્યાર સુધીમાં મહત્તમ સંખ્યામાં લોકોને રસી આપવામાં આવી છે. જોકે અમેરિકા વિશ્વનો પહેલો દેશ છે જ્યાં અત્યાર સુધીમાં 3 કરોડથી વધુ લોકોને રસી આપવામાં આવી છે. જ્યારે ભારતમાં ગુરુવાર સુધી 2.56 કરોડ લોકો રસી લઈ ચૂક્યા છે. આ સિવાય બ્રાઝિલમાં અત્યાર સુધીમાં 1.13 કરોડ, તુર્કીમાં એક કરોડ અને બ્રિટનમાં 94 લાખ લોકોને રસી આપવામાં આવી છે.
સરકારના આંકડા મુજબ રસીકરણના 53મા દિવસે દેશમાં અત્યાર સુધીમાં રસીના 2.56 કરોડથી વધુ ડોઝ અપાઈ ચૂક્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં 13.17 લાખ લાભાર્થીઓને રસી અપાઈ છે. રસી મેળવનારા લાભાર્થીઓમાં 71,70,519 સ્વાસ્થ્ય કર્મચારી, 70,31,147 ફ્રન્ટલાઈન વર્કર્સ, 60 વર્ષથી વધુ વયના 55,99,143 લોકો અને 45 વર્ષથી વધુ વયના અને ગંભીર બીમારીનો સામનો કરતાં 9,29,359 લોકોનો સમાવેશ થાય છે. તો બીજી તરફ સ્વાસ્થ્ય કર્મચારીઓમાંથી 39,77,407 અને ફ્રન્ટલાઈન વર્કર્સમાંથી 5,82,118ને રસીનો બીજો ડોઝ પણ અપાઈ ચૂક્યો છે.
સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, બુધવારે 7,25,930 લોકોને રસીનો પહેલો અને 1,96,109 સ્વાસ્થ્ય કર્મીઓ તેમજ ફ્રન્ટલાઈન વર્કર્સને કોરોનાનો બીજો ડોઝ અપાયો છે. પહેલો ડોઝ લેનારાઓમાં 60 વર્ષથી વધુ વયના 4,95,026 લોકો અને ગંભીર બીમારીથી ગ્રસ્ત 45 વર્ષથી વધુ વયના 95,834 દર્દીઓનો સમાવેશ થાય છે.
સરકારી હોસ્પિટલોમાં અત્યાર સુધીમાં 71.23 ટકા રસીકરણ કરવામાં આવ્યું છે. જ્યારે ખાનગી હોસ્પિટલોમાં 28.77 ટકા રસીકરણ કરવામાં આવ્યું હતું. આ સિવાય રસી લીધા પછી 0.020 ટકાની આડઅસરોની ટકાવારી નોંધાઈ છે. તેમાંથી માત્ર 0.00025 ટકા લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રસી લીધા પછી અનેક નેતાઓ અને સેલિબ્રિટિઓએ રસી લેવાનું શરૃ કર્યું છે. ગુરુવારે વડાપ્રધાનના માતા હિરાબાએ પણ રસી લીધી હતી. આ માહિતી વડાપ્રધાન મોદીએ ટ્વિટર પર આપી હતી. ઉપરાંત દક્ષિણના સુપર સ્ટાર મોહનલલા, બોલિવૂડની જૂના જમાનાની અભિનેત્રી નીના ગુપ્તા સહિત અનેક સેલિબ્રિટીઓએ કોરોનાની રસી મેળવી છે.
