National Games 2025: ઉત્તરાખંડ બની રહ્યું છે ભારતનું નવા યુગનું રમતગમત કેન્દ્ર, નેશનલ ગેમ્સમાં 16,000 રમતવીરોએ આશરે 435 સ્પર્ધાઓમાં લીધો ભાગ

National Games 2025:કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે ઉત્તરાખંડના હલ્દવાનીમાં મુખ્ય અતિથિ તરીકે 38માં 'નેશનલ ગેમ્સ'ના સમાપન સમારંભને સંબોધન કર્યું

by khushali ladva
National Games 2025 Uttarakhand is becoming India's new era sports hub

News Continuous Bureau | Mumbai

  • પીએમ મોદીનું રમતગમત પ્રત્યેનું સમર્પણ એટલું બધું છે કે ખેલાડીઓ તેમને ‘ખેલ મિત્ર’ કહે છે.
  • ભારત 2036 ઓલિમ્પિક રમતોનું આયોજન કરવા માટે તૈયાર છે.
  • ઉત્તરાખંડના દરેક જિલ્લામાં રમતગમતની માળખાગત સુવિધા પૂરી પાડીને, મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ દેવભૂમિને, ‘ખેલ ભૂમિ’ પણ બનાવી.
  • પીએમ મોદીએ દેશભરમાં રમતગમતની માળખાગત સુવિધા, કોચિંગ સિસ્ટમ અને પારદર્શક પસંદગીને પ્રોત્સાહન આપ્યું, જેના કારણે આજે વૈશ્વિક સ્તરે ભારતની રમતગમતની પ્રતિષ્ઠા વધી છે.
  • પીએમ મોદીએ ફિટ ઇન્ડિયા અને ખેલો ઇન્ડિયા જેવી પહેલ દ્વારા યુવાનોને રમતગમત તરફ પ્રોત્સાહિત કર્યા.
  • ‘રમતગમત’નો સાર એ છે કે જીતની ભાવના રાખવી, હારથી નિરાશ ન થવું અને હાર પછી પણ ફરીથી જીતવા માટે પ્રેરિત થવું.
  • ઉત્તરાખંડ અને મેઘાલય જેવા નાના રાજ્યોમાં રમતગમત સ્પર્ધાઓનું આયોજન રાજ્યોની રમતગમત પ્રત્યેનું સમર્પણ દર્શાવે છે
National Games 2025: કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે ઉત્તરાખંડનાં હલ્દવાનીમાં મુખ્ય અતિથિ તરીકે 38માં ‘રાષ્ટ્રીય રમતો’નાં સમાપન સમારંભને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયા, ઉત્તરાખંડનાં મુખ્યમંત્રી શ્રી પુષ્કર સિંહ ધામી, મેઘાલયનાં મુખ્યમંત્રી શ્રી કોનરાડ સંગમા અને કેન્દ્રીય માર્ગ, પરિવહન અને રાજમાર્ગ રાજ્ય મંત્રી શ્રી અજય ટમ્ટા સહિત અન્ય કેટલાંક મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.  કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, 38મા રાષ્ટ્રીય રમતોના સફળ આયોજન સાથે દેવ ભૂમિ (ઉત્તરાખંડ) હવે રાજ્યના દરેક જિલ્લામાં વિકસિત રમતગમતના માળખાગત સુવિધાઓની મદદથી ‘ખેલ ભૂમિ’ બની ગઈ છે. શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીનાં પ્રયાસોનાં પરિણામે દેવ ભૂમિ દેશનાં રમતગમત સાથે સંબંધિત માળખાગત સુવિધાની દ્રષ્ટિએ 21માં સ્થાનથી સુધરીને 7મા સ્થાને પહોંચી ગઈ છે. શ્રી શાહે ઉત્તરાખંડનાં રમતવીરોને અભિનંદન આપતાં કહ્યું હતું કે, તેમણે જ નેશનલ ગેઇમ્સમાં મોટી સંખ્યામાં ચંદ્રકો જીત્યાં છે. તેમણે જ દેવભૂમિને રમતગમતની ભૂમિ બનાવી છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રીએ 38મી નેશનલ ગેમ્સની આયોજન સમિતિ અને સ્પોર્ટસ ફેડરેશનની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે, તેમના પ્રયાસોને કારણે જ ઉત્તરાખંડ જેવું નાનું રાજ્ય આટલી ઊંચી કક્ષાએ આ રમતોનું સફળતાપૂર્વક આયોજન કરી શક્યું છે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, રાષ્ટ્રીય રમતોનાં ભાગરૂપે આશરે 16,000 રમતવીરોએ આશરે 435 સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. શ્રી શાહે જણાવ્યું હતું કે, પરાજયથી નિરાશ ન થવું અને જીતની ભાવના જ રમતગમતનો સાચો સંદેશ છે. તેમણે ઊમેર્યું કે, આગામી નેશનલ ગેમ્સનું આયોજન મેઘાલયમાં થવાનું છે, જ્યાં ખેલાડીઓને મેડલ જીતવાની વધુ એક તક મળશે. શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, 38મા નેશનલ ગેમ્સમાં ઇકો-ફ્રેન્ડલી ગેમ્સની સાથે ઇકો-ફ્રેન્ડલી પ્રેક્ટિસને પણ સાકાર કરવામાં આવી હતી. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, વેટલિફ્ટિંગ, શૂટિંગ અને એથ્લેટિક્સ સહિત કેટલીક રમતોમાં રાષ્ટ્રીય વિક્રમો રચાયા છે, જેનાથી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ચંદ્રકો જીતવાની આશા વધી છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, મેઘાલયમાં યોજાનારી આગામી નેશનલ ગેમ્સ દરમિયાન પૂર્વોત્તરના અન્ય રાજ્યોમાં પણ કેટલીક ઇવેન્ટનું આયોજન કરવામાં આવશે, જેથી સમગ્ર નોર્થ ઇસ્ટ નેશનલ ગેમ્સ સાથે ગુંજી ઉઠે. તેમણે જણાવ્યું હતું કે, ઉત્તરાખંડ અને મેઘાલય જેવા નાનાં રાજ્યોમાં રમતગમતની સ્પર્ધાઓનું આયોજન આ રાજ્યોને રમતગમત પ્રત્યે સમર્પણ દર્શાવે છે.

આ સમાચાર પણ વાંચો:  National Social Assistance: ચોર્યાસી તાલુકામાં યોજાઈ સામાજિક ઓડિટની ગ્રામસભા, સરકારી યોજનાઓનો લાભ મેળવવા માટે ગ્રામજનોને અપાયું માર્ગદર્શન…

National Games 2025:  કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની પહેલોને કારણે દેશમાં રમતગમતના વાતાવરણમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ‘ખેલો ગુજરાત’ સ્પર્ધા શરૂ કરી હતી અને ત્યારથી લઈને અત્યાર સુધીમાં રમતગમતના ક્ષેત્રમાં નોંધપાત્ર વિકાસ થયો છે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, દેશનાં ઘણાં જિલ્લાઓમાં રમતગમત સાથે સંબંધિત માળખાગત સુવિધાઓ વિકસાવવામાં આવી છે, રમતવીરો અને કોચને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે તથા પસંદગીની પ્રક્રિયામાં પારદર્શકતા લાવવામાં આવી છે, જેણે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતીય રમતોની પ્રતિષ્ઠામાં વધારો કર્યો છે. શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, ભારતીય રમતગમતનું ભવિષ્ય ઉજ્જવળ છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ફિટ ઇન્ડિયા અને ખેલો ઇન્ડિયા જેવી પહેલો મારફતે દરેક યુવાનોને રમતગમતમાં જોડાવા માટે પ્રેરિત કર્યા છે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે ,’રમતગમત’નો સાર એ છે કે વિજયની ભાવના હોવી જોઈએ, પરાજયથી નિરાશ થવું નહીં અને હાર પછી પણ ફરીથી જીતવાની પ્રેરણા આપવી.

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રમતગમતનો જુસ્સો, રમતગમત પ્રત્યેનો પ્રેમ અને દેશનાં યુવાનોમાં રમવાનો આત્મવિશ્વાસ મજબૂત કરવા માટે અનેક પગલાં લીધાં છે. તેમણે ઉલ્લેખ કર્યો કે રમતવીરો પીએમ મોદીને “ખેલ મિત્ર” તરીકે ઓળખાવે છે. શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, વર્ષ 2014માં જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્યભાર સંભાળ્યો હતો, ત્યારે દેશનું રમતગમતનું બજેટ રૂ. 800 કરોડ હતું અને વર્ષ 2025-26 સુધીમાં રમતગમતનું બજેટ વધીને ₹3,800 કરોડ થયું છે. 2014ના કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે 15 મેડલ્સ જીત્યા હતા, જે હવે વધીને 26 થઈ ગયા છે. એ જ રીતે એશિયન ગેમ્સમાં ભારતે 2014માં 57 મેડલ્સ જીત્યા હતા અને હવે આ સંખ્યા વધીને 107 થઈ ગઈ છે. પેરા એશિયન ગેમ્સમાં ભારતને શરુઆતમાં 33 મેડલ્સ મળ્યા હતા. જે હવે વધીને 111 થઈ ગયા છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રીએ જણાવ્યું હતું કે દેશના રમતવીરોએ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં પણ દેશને ગૌરવ અપાવ્યું છે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, ઓલિમ્પિક્સ અને પેરાલિમ્પિક્સમાં આપણાં રમતવીરોએ અનેક ગણા વધારે ચંદ્રકો જીત્યા છે. જે સૂચવે છે કે, દેશનાં રમતગમતનાં માળખામાં, રમતગમતનું વાતાવરણ અને જીતવાની ભૂખમાં નોંધપાત્ર સુધારો થયો છે.

આ સમાચાર પણ વાંચો:  Israel Hamas Ceasefire : આજે અદલાબદલીનો છઠ્ઠો રાઉન્ડ… ઇઝરાયલના 3 બંધકો થશે મુક્ત, બદલામાં હમાસ આટલા પેલેસ્ટિનિયન કેદીઓને છોડશે..

National Games 2025: શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, આજે ઉત્તરાખંડ જેવા પર્વતીય રાજ્યએ આટલી મોટી ઇવેન્ટનું સફળતાપૂર્વક આયોજન કર્યું છે. જે સૂચવે છે કે, ભારતનું દરેક રાજ્ય રમવા માટે તૈયાર હોવાની સાથે-સાથે રમતગમતની માળખાગત સુવિધાઓને મજબૂત કરવા પણ તૈયાર છે. તેમણે કહ્યું હતું કે, ટોપ્સ (ટાર્ગેટ ઓલિમ્પિક પોડિયમ સ્કીમ)નો ઉપયોગ કરીને આપણાં ઘણાં રમતવીરો ઓલિમ્પિક, એશિયન ગેમ્સ અને કોમનવેલ્થ ગેમ્સમાં મોટી સફળતા મેળવવા માટે તૈયારી કરી રહ્યાં છે. શ્રી શાહે ઉલ્લેખ કર્યો હતો કે, ભારત વર્ષ 2036માં ઓલિમ્પિકની યજમાની માટે તૈયાર છે. અમે ઓલિમ્પિક રમતોની યજમાની માટે અમારી દાવેદારી કરી છે અને અમને વિશ્વાસ છે કે, જ્યારે 2036માં ભારતમાં ઓલિમ્પિકનું આયોજન થશે, ત્યારે ઉત્તરાખંડમાં આ સ્પોર્ટ્સ મેગા ઇવેન્ટમાં ભાગ લેનારા રમતવીરો મેડલ્સ જીતશે, જેનાથી ત્રિરંગા અને રાષ્ટ્રગીતનું ગૌરવ વધશે.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ વર્ષ 2019માં આ દિવસે જમ્મુ અને કાશ્મીરનાં પુલવામામાં થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા 40 સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં જણાવ્યું હતું કે, તેમનાં બલિદાનથી દેશની સુરક્ષા સુનિશ્ચિત થવાની સાથે-સાથે આતંકવાદીઓ સામે સરહદ પારથી એરસ્ટ્રાઈક કરનાર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પણ કડક પ્રતિસાદ આપ્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ કારણે ભારત માટે વૈશ્વિક પરિપ્રેક્ષ્ય બદલાયું છે અને દુનિયાભરના તમામ આતંકવાદીઓને સંદેશ ગયો છે કે, ભારતની સરહદો અને સૈન્ય સાથે કોઈ રમી શકે નહીં.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed 

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More