News Continuous Bureau | Mumbai
National Medical Commission: નેશનલ મેડિકલ કમિશન દ્વારા જાહેર કરવામાં આવેલા નવા નિયમો મુજબ તમામ ડૉકટરોએ દર્દીઓને જેનરિક દવા (Generic Medicine) ઓ પ્રિસ્ક્રાઈબ કરવાની રહેશે. જો ડૉકટરો જેનરિક દવાઓ નહીં લખી આપે તેને દંડ કરવામાં આવશે. તેમનું પ્રેકટિસનું લાઈસન્સ પણ કેટલાક સમય માટે સસ્પેન્ડ કરવામાં આવશે. NMC એ તેમનાં નિયમનોમાં તમામ ડૉક્ટર્સને બ્રાન્ડેડ જેનરિક ડ્રગ્સ પ્રિસ્ક્રાઈબ નહીં કરવા તાકીદ કરી છે. ડૉકટરો દ્વારા હાલ દર્દીઓને જેનરિક દવાઓ લખી આપવાનું જરૂરી છે પણ ઈન્ડિયન મેડિકલ કાઉન્સિલ દ્વારા 2002માં જાહેર કરવામાં આવેલા નિયમોમાં દંડની કોઈ જોગવાઈ કરવામાં આવી ન હતી.
NMC દ્વારા 2 ઓગસ્ટે જાહેર કરવામાં આવેલા નિયમોમાં એવું નોંધવામાં આવ્યું છે કે ભારતમાં મોટાભાગનાં લોકો દવાઓ માટે પોતાનાં ખિસ્સામાંથી આરોગ્ય જાળવણી માટે ખર્ચ કરે છે. તેમાં કહેવાયું છે કે બ્રાન્ડેડ દવાઓની સરખામણીમાં જેનરિક દવાઓ 30 થી 80 ટકા સુધી સસ્તી હોય છે. આથી ડૉકટરો દ્વારા દર્દીઓને જેનરિક દવાઓ લખી આપવાથી આરોગ્યની સંભાળ માટેનો ખર્ચ ઓછો આવે છે. દર્દીની ઓછા ખર્ચમાં સસ્તા દરે ગુણવત્તા યુક્ત સારવાર કરી શકાય છે.
આ સમાચાર પણ વાંચો : Ministry of Jal Shakti: માસ કમ્યુનિકેશન અને પત્રકારત્વના વિદ્યાર્થીઓ માટે મોટી તક…જલ શક્તિ મંત્રાલયે ઇન્ટર્નશિપ પ્રોગ્રામની કરી જાહેરાત; જાણો પાત્રતા અને અન્ય વિગતો..…
જેનરિક દવા ડ્રગ્સ પ્રોડક્ટ તરીકે પરિભાષિત
જેનરિક દવાઓને એક ડ્રગ્સ પ્રોડક્ટ તરીકે પરિભાષિત કરવામાં આવી છે. NMC એ તેને એવી ડ્રગ્સ પ્રોડક્ટસ તરીકે પરિભાષિત કરી છે કે જે એક ડોઝનાં સ્વરૂપમાં તેમજ શક્તિનાં સ્વરૂપમાં તથા તેની ગુણવત્તા અને ઉપયોગિતાનાં સંદર્ભમાં બ્રાન્ડેડ તેમજ લિસ્ટેડ પ્રોડક્ટની સમકક્ષ છે. બીજી તરફ બ્રાન્ડેડ જેનરિક દવાઓ પેટન્ટની બહાર છે. જેની પેટન્ટ લઈ શકાતી નથી. દવા કંપનીઓ દ્વારા તેનું ઉત્પાદન કરાય છે અને જુદીજુદી કંપનીઓ દ્વારા જુદા જુદા બ્રાન્ડ નામથી તેનું વેચાણ કરાય છે.
જેનરિક દવાઓ બ્રાન્ડેડ પેટન્ટ વઝર્ન કરતા ઘણી સસ્તી
જેનરિક દવાઓ બ્રાન્ડેડ પેટન્ટ વર્ઝન કરતા ઘણી સસ્તી હોય છે પણ જથ્થાબંધ ઉત્પાદિત કરવામાં આવતી જેનરિક દવાઓ કરતા મોંઘી હોય છે. બ્રાન્ડેડ જેનરિક દવાઓનાં ભાવ પર નિયમનકારનું નિયંત્રણ ઓછું હોય છે. દરેક રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનર્સે તેમનાં પ્રિસ્ક્રીપ્શનમાં દર્દીઓને સ્પષ્ટ રીતે વંચાઈ શકે તેવી રીતે આ દવાઓ લખી આપવાની રહેશે. બિનજરૂરી દવાઓ અને ફિકસ્ડ ડોઝનું કોમ્બિનેશન ધરાવતી ટેબ્લેટ લખી આપવાનું તેમણે ટાળવાનું રહેશે. નિયમો કે સૂચનાનો ભંગ કરનાર ડૉક્ટરને સાવધ રહીને જેનરિક દવાઓ જ લખી આપવા ચેતવણી આપવામાં આવશે અને પ્રોફેશનલ ટ્રેઈનિંગ લેવા તાકીદ કરાશે. ડૉકટરો જો વારંવાર નિયમોનો ભંગ કરશે તો ચોક્કસ સમય માટે તેમની પ્રેક્ટિસનું લાઈસન્સ રદ કરવામાં આવશે. ડૉક્ટરોએ દરેક પ્રિસ્ક્રિપ્શન યોગ્ય રીતે વાંચી શકાય તેવી રીતે મોટા અક્ષરોમાં લખવાનું રહેશે. કોઈ ખામી નિવારવા ટાઈપ કરેલ કે પ્રિન્ટેડ પ્રિસ્ક્રિપ્શન લખવાનું સલાહભર્યું છે. NMC એ આ માટે એક ટેમ્પલેટ બનાવ્યું છે જેનો ઉપયોગ કરી શકાશે. માર્કેટમાં સરળતાથી મળી શકે તેવી જેનરિક દવાઓ જ દર્દીઓને લખી આપવાની રહેશે. તેઓ મહત્વની જેનરિક દવાઓનો સ્ટોક રાખવા હોસ્પિટલો અને મેડિકલ સ્ટોર્સને સૂચન કરી શકે છે. દર્દીઓને જન ઑષધી કેન્દ્રો તેમજ જેનરિક મેડિકલ સ્ટોર્સમાંથી જ દવા ખરીદવા દર્દીને ભલામણ કરી શકે છે.