ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 16 ઑક્ટોબર, 2021
શનિવાર
દશેરાના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે પોતાનો 96મા સ્થાપના દિનની ઉજવણી કરી હતી. એ નિમિત્તે સંઘના પ્રમુખ મોહન ભાગવતે દેશમાં વધી રહેલી વસતી સામે ચિંતા વ્યક્ત કરી હતી. દેશમાં વસતીવૃદ્ધિને કારણે દેશની અંખડતા સામે જ નહીં, પણ સાંસ્કૃતિક ઓળખ માટે પણ ગંભીર સમસ્યા નિર્માણ થઈ શકે છે. એથી વસતીનિયંત્રણ કાયદો બનાવીને દેશના તમામ લોકો પર એક સમાન લાગુ કરવા ઉપર પણ તેમણે ભાર આપ્યો હતો. દેશમાં ક્રિપ્ટોકરન્સીના વધતા ચલણ તેમ જ OTT પ્લૅટફૉર્મ પર દર્શાવતા અશ્લીલ કાર્યક્રમ સામે પણ તેમણે ચિંતા વ્યક્ત કરી હતી.
વસતીવૃદ્ધિ દરમાં રહેલી અસંતુલનતા ભવિષ્યમાં દેશ માટે પડકારજનક બની શકે છે. જે ઝડપે વિવિધ સંપ્રદાયોની વસતીમાં સરેરાશ પરિવર્તન આવી રહ્યું છે, એને જોતાં વસતીનિયંત્રણ કાયદા પર પુનર્વિચાર કરવાની જરૂર છે. ખાસ કરીને દેશના આસામ, પશ્ચિમ બંગાળ અને બિહારમાં સરહદી વિસ્તારમાં મુસ્લિમોની વસતીની સંખ્યા વધી રહી છે. જે ઘૂસણખોરીનો સંકેત આપી રહી છે. વસતીમાં થઈ રહેલી અસંતુલતાને કારણે દેશની એકતા, અંખડતા અને સાંસ્કૃતિક ઓળખ માટે જોખમ બની શકે છે. અસંતુલિત વસતીવૃદ્ધિને કરાણે સ્થાનિક હિંદુ સમાજ માટે સરહદી વિસ્તારોમાં પલાયન થવાનું દબાણ વધી રહ્યું છે એવું પણ આ પ્રસંગે મોહન ભાગવતે ક્હ્યું હતું.
વસતીવધારા, OTT પર નિયંત્રણ લાવવાની તાતી આવશ્યકતા હોવાનું મોહન ભાગવતે કહ્યું હતું. એ ઉપરાંત તેમણે વિશ્વમાં ભારતની પ્રગતિને લઈને જે દેશો ઈર્ષા કરી રહ્યા છે, તેમની તરફ પણ આંગળી ચીંધી હતી.