ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
26 ઓક્ટોબર 2020
ભારતના ભુતપૂર્વ સૉલિસિટર જનરલ અને જાણીતા વકીલ હરીશ સાલ્વે 65 વર્ષની વયે બીજા લગ્ન કરવા જઈ રહ્યાં છે. સાલ્વે આગામી સપ્તાહે બ્રિટનના એક ચર્ચમાં કૈરોલિન બ્રોસર્ડ સાથે લગ્ન કરવાના છે. હરીશ સાલ્વે અને કેરોલિન બંનેના આ બીજા લગ્ન છે.
અગાઉ હરીશ સાલ્વેએ મીનાક્ષી સાલ્વે સાથે લગ્ન કર્યાં હતા. 38 વર્ષ સુધી બન્ને સાથે રહ્યાં હતા અને તેમને બે દીકરીઓ પણ છે. ગત મહિને જ હરીશ સાલ્વે અને મીનાક્ષી સાલ્વેના ડાયવૉર્સ થયા છે. હરીશ સાલ્વેની જેમ જ કૈરોલિનના પણ એક વખત લગ્ન થઈ ચૂક્યા છે અને તેની પણ એક પુત્રી છે. 56 વર્ષની કૈરોલિન વ્યવસાયે કલાકાર છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સાલ્વે છેલ્લા બે વર્ષોથી નોર્થ લંડનની એક ચર્ચમાં જતા હતાં ત્યાં તેમની મુલાકાત કૈરોલીન સાથે થયી હતી.
હરીશ સાલ્વે કુલભૂષણ જાધવ સહિત અનેક ઈન્ટરનેશનલ કેસોમાં ભારત સરકારનો પક્ષ રજૂ કરી ચૂક્યાં છે. આ સિવાય દેશના જાણીતા ઉદ્યોગપતિઓ અને કંપનીઓ જેમ કે વોડાફોન, રિલાયન્સ ,મુકેશ અંબાણી વગેરે સાથે સંકળાયેલ કેસોમાં પણ વકીલ તરીકે કોર્ટમાં દલીલો કરી ચૂક્યાં છે.
જણાવી દઈએ કે, બ્રિટન અને વેલ્સની કોર્ટ માટે હરીશ સાલ્વેને ત્યાંના મહારાણીના વકીલ પણ નિયુક્ત કરવામાં આવી ચૂક્યાં છે. બ્રિટનના ન્યાય મંત્રાલયે 16 માર્ચ 2020માં તેમને નિમણૂંક આપી હતી. જે વકીલોમાં વકીલાતનું વિશેષ કુશળતા હોય, તેમને જ બ્રિટનની મહારાણીના વકીલ તરીકે નિયુક્ત કરવામાં આવે છે.
મીડિયા રિપોર્ટ પ્રમાણે, હરીશ સાલ્વેની એક દિવસની ફી 30 લાખ રૂપિયા છે, પરંતુ જાધવનો કેસ તેમણે માત્ર 1 રૂપિયામાં ભારત વતી લડ્યો હતો. તેઓ 1999 થી 2002 સુધી દેશના સોલિસિટર જનરલ રહી ચૂક્યા છે. તેમના પિતા એનકેપી સાલ્વે પૂર્વ કોંગ્રેસ સાંસદ હતા.
