News Continuous Bureau | Mumbai
Railway Refund Rules 2026: ભારતીય રેલવેએ તેની પ્રીમિયમ ટ્રેનો, ખાસ કરીને વંદે ભારત સ્લીપર એક્સપ્રેસ અને અમૃત ભારત 2 માટે ટિકિટ કેન્સલેશન અને રિફંડના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. રેલવે મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી નવી માર્ગદર્શિકા મુજબ, જો મુસાફરો નિર્ધારિત સમય મર્યાદામાં ટિકિટ કેન્સલ નહીં કરે, તો તેમને કોઈ રિફંડ મળશે નહીં. આ નવા નિયમો અન્ય સામાન્ય ટ્રેનો કરતા ઘણા અલગ અને કડક છે.રેલવે મંત્રાલયે ‘રેલ મુસાફર નિયમો, 2015’ માં સુધારો કર્યો છે. આ સુધારા મુજબ વંદે ભારત સ્લીપર જેવી ટ્રેનોમાં કન્ફર્મ ટિકિટ પર રિફંડ મેળવવા માટે હવે મુસાફરોએ વધુ વહેલા નિર્ણય લેવો પડશે.
વંદે ભારત સ્લીપર અને અમૃત ભારત 2 માટે નવા નિયમો
8 કલાકથી ઓછો સમય: જો તમે ટ્રેન ઉપડવાના નિર્ધારિત સમયથી 8 કલાકથી ઓછા સમય પહેલા કન્ફર્મ ટિકિટ કેન્સલ કરશો, તો તમને કોઈ રિફંડ (0%) મળશે નહીં.
8 થી 72 કલાકની વચ્ચે: જો ટિકિટ ટ્રેન ઉપડવાના 8 થી 72 કલાકની વચ્ચે કેન્સલ કરવામાં આવે, તો ભાડાના 50 ટકા રકમ કેન્સલેશન ચાર્જ તરીકે કાપવામાં આવશે.
72 કલાકથી વધુ સમય પહેલા: જો ટિકિટ 72 કલાકથી વધુ સમય પહેલા કેન્સલ કરવામાં આવે, તો ભાડાના 25 ટકા રકમ કાપવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : Thackeray Brothers Reunion: 23 જાન્યુઆરીએ મુંબઈમાં સર્જાશે ઈતિહાસ! ઉદ્ધવ અને રાજ ઠાકરે એક જ મંચ પર, શું મહારાષ્ટ્રના રાજકારણમાં આવશે નવું તોફાન?
સામાન્ય ટ્રેનો અને નવી ટ્રેનો વચ્ચેનો તફાવત
સામાન્ય ટ્રેનોમાં જો ટ્રેન ઉપડવાના 4 કલાક પહેલા ટિકિટ કેન્સલ કરવામાં આવે તો રિફંડ મળતું નથી, પરંતુ વંદે ભારત સ્લીપર માટે આ મર્યાદા વધારીને 8 કલાક કરવામાં આવી છે. રેલવે અધિકારીઓના જણાવ્યા મુજબ, વંદે ભારત સ્લીપર અને અમૃત ભારત 2 માં દરેક મુસાફરને ચોક્કસ બર્થની ગેરંટી આપવામાં આવે છે. આ ટ્રેનોમાં કાં તો આખા પરિવારને કન્ફર્મ બર્થ મળે છે અથવા તો એક પણ નહીં, જેના કારણે વ્યવસ્થા જાળવવા નિયમો કડક કરાયા છે.
અમૃત ભારત 2 અને આગામી આયોજન
રેલવેએ સ્પષ્ટ કર્યું છે કે વર્ષ 2026 માં શરૂ થનારી અમૃત ભારત ટ્રેનોને ‘અમૃત ભારત 2’ તરીકે ઓળખવામાં આવશે અને આ રિફંડ નિયમો તેમના પર પણ લાગુ થશે. ઉલ્લેખનીય છે કે રેલવે હવે 2026 સુધીમાં 350 કિમીની ઝડપે દોડતી વંદે ભારત એક્સપ્રેસ 4.0 ની પણ તૈયારી કરી રહ્યું છે. મુસાફરોને સલાહ આપવામાં આવે છે કે આર્થિક નુકસાનથી બચવા માટે સમયસર પોતાની ટિકિટનું સ્ટેટસ તપાસી કેન્સલેશન અંગે નિર્ણય લેવો.