ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
07 ડિસેમ્બર 2020
કેન્દ્ર સરકારના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ સેન્ટ્રલ વિસ્ટા એટલે કે દિલ્હીમાં નવા બનનારા સંસદભવનના નિર્માણ સંબંધિત અરજી પર સોમવારે સુપ્રીમ કોર્ટે સુનવણી કરી છે. આ મામલામાં દાખલ અરજીઓ પર સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે સોમવારે કહ્યું હતું કે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ અંતર્ગત કોઈ કન્સ્ટ્રક્શન, તોડફોડ કે વૃક્ષ કાપવાનું કામ ત્યાં સુધી ન થવું જોઈએ જ્યાં સુધી કોઈ પેન્ડિંગ અરજીઓ પર અંતિમ ચુકાદો ન સંભળાવામાં આવે. કેન્દ્ર એ કોર્ટને ભરોસો આપ્યો છે કે કોર્ટના આદેશનું પાલન કરવામાં આવશે.
ન્યાયમૂર્તિ એ.એમ.ખાનવિલકરની અધ્યક્ષતાવાળી સર્વોચ્ચ અદાલતની ખંડપીઠે નિરીક્ષણ કરી કહ્યું છે કે કેન્દ્ર સરકાર આ પ્રોજેક્ટના બાંધકામની કામગીરી આગળ વધારી શકશે નહીં.
સુપ્રિમ કોર્ટે સોમવારે સેન્ટ્રલ વિસ્ટાના 20,000 કરોડના નિર્માણ કાર્યને લઈને કેન્દ્રની "આક્રમકતા" સામે નારાજગી વ્યક્ત કરી હતી. સુનવણી દરમ્યાન સુપ્રીમ કોર્ટે ‘સેન્ટ્રલ વિસ્ટા’ પ્રોજેક્ટના નિર્માણને લઈને સરકારના વિચારોની માહિતી આપવા માટે કેન્દ્રને 5 મિનિટનો સમય આપ્યો છે. કોર્ટે કહ્યું કે કેન્દ્ર સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ માટે જરૂરી કાગળની કાર્યવાહી કરી શકે છે તથા શિલાન્યાસ કરવાના નક્કી સમારંભને આયોજિત કરી શકે છે.
નોંધનીય છે કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી 10 ડિસેમ્બરે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટના ભાગરૂપે બનેલા નવા સંસદ ભવનના નિર્માણ માટે શિલાન્યાસ કરશે અને 'ભૂમિપૂજન' કરવાની તૈયારીમાં છે. એવા સમયે પ્રોજેક્ટને પડકારતી અરજીઓથી આગળ નું કામ ખોરંભે ચઢી શકે છે.
