ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 23 સપ્ટેમ્બર, 2021
ગુરુવાર
દેશમાં કોરોનાની બીજી લહેરનું જોર ઓસરી ગયું છે, પરંતુ નિષ્ણાતો દ્વારા સતત કોરોનાની ત્રીજી લહેરના જોખમની ચેતવણી આપવામાં આવી રહી છે. એવામાં દિલ્હીની એઇમ્સના ડાયરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાએ દેશમાં ત્રીજી લહેરનું સંકટ ટળી ગયું હોવાનો દાવો કર્યો છે. કોરોના હવે મહામારી રહી નથી. દેશમાં કોરોનાની ત્રીજી લહેર આવવાની શક્યતા ટળી ગઈ છે, પરંતુ જ્યાં સુધી દેશનો દરેક નાગરિક વેક્સિન લેતો નથી ત્યાં સુધી નાગરિકોએ સર્તક રહેવાની જરૂર હોવા ઉપર તેમણે ભાર આપ્યો હતો.
લાંબા સમયથી આરોગ્ય નિષ્ણાતો દેશમાં કોરોનાની ત્રીજી લહેરનું જોખમ હોવાની શક્યતા વ્યક્ત કરી રહ્યા હતા. તેવામાં ડૉ. રણદીપ ગુલેરિયાના નિવેદનથી લોકોને રાહત થઈ છે. જોકે ડૉ. રણદીપ ગુલેરિયાએ દેશવાસીઓને તહેવારો દરમિયાન સતર્ક રહેવાની ચેતવણી આપી છે. હાલ દેશમાં પ્રતિદિન 25થી 40 હજારની આસપાસ કેસ નોંધાઈ રહ્યા છે. તેથી લોકો જો સતર્ક રહેશે તો આગામી દિવસમાં તેમાં હજી ઘટાડો થશે.
કોરોનાનું સંક્રમણ ઘટી રહ્યું છે, પરંતુ દેશમાંથી કોરોના સંપૂર્ણપણે ક્યારે પણ ખતમ નહીં થાય. જોકે દેશના દરેક નાગરિકનું વેક્સિનેશન ઝડપથી થઈ જાય પછી તે મોટા પાયા પર ફેલાશે નહીં એવું પણ ડૉ. રણદીપ ગુલેરિયાએ કહ્યું હતું.
ડૉ.ગુલેરિયાએ કહ્યું હતું કે ભવિષ્યમાં કોરોના વાયરસ પણ સામાન્ય ફ્લૂ જેવો થઈ જશે. એટલે કે સામાન્ય શરદી, તાવ જેવો થઈ જશે. લોકોમાં હવે કોરોના વાયરસ સામેની ઇમ્યુનિટી આવી ગઈ છે. જોકે બીમાર લોકો અને ઓછી ઇમ્યુનિટીવાળા માટે આ વાયરસ જોખમી સાબિત થશે.
ડૉ.ગુલેરિયાએ કહ્યું હતું કે ભારતમાં ઝડપથી વેક્સિનેશન થવું આવશ્યક છે. લોકો વેક્સિનના બંને ડોઝ લે તે આવશ્યક છે. બાળકોને પણ વેકિસન આપવી જરૂરી છે. આગામી સમયમાં બૂસ્ટર ડોઝની પણ આવશ્યકતા પડશે. જોકે તે ફક્ત બીમાર, વૃદ્ધો તથા જેનો ઇમ્યુનિટી પાવર ઓછો છે તેમને માટે જરૂરી રહેશે.
કોરોનાની ત્રીજી લહેર આવશે કે નહીં આવે એ આગામી સમયમાં જાણ થશે, પરંતુ આ વચ્ચે દેશમાં આવતા મહિનાથી 12-18 વર્ષનાં બાળકોને વેક્સિનેશન ચાલુ થવાનું છે. મીડિયા રિપૉર્ટસ મુજબ દેશમાં બાળકોની ટ્રાયલ કોવેક્સિન ભારત બાયોટેક દ્વારા કરવામાં આવી રહ્યું છે. હાલ 1,000 બાળકોની ટ્રાયલ થઈ ગઈ છે. ત્રીજા ફેઝની ટ્રાયલ પૂરી થઈ ગઈ છે.