ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
24 ઓક્ટોબર 2020
હવેથી પીવાના પાણીનો દુરૂપયોગ એ ભારતમાં ગુનો બનશે, નિયમનું ઉલ્લંઘન કરનારને પાંચ વર્ષ સુધીની જેલ અથવા 1 લાખ રૂપિયા દંડની સજા થઈ શકે છે. જલ શક્તિ મંત્રાલય હેઠળના સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર ઓથોરિટી (સીજીડબ્લ્યુએ) એ આ સંદર્ભે પર્યાવરણ (સુરક્ષા) અધિનિયમ, 1986 ની કલમ 5 હેઠળ જાહેરનામું બહાર પાડ્યું છે.
રાષ્ટ્રીય ગ્રીન ટ્રિબ્યુનલની સૂચના બાદ આ જાહેરનામું આવ્યું છે. સૂચના મુજબ, તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પાણી પુરવઠાની કામગીરી કરતી પાલિકાએ સુનિશ્ચિત કરવું પડશે કે ભૂગર્ભમાંથી ખેંચી પીવાના પાણીનો કોઈ દુરૂપયોગ ન થાય અને ઉલ્લંઘન કરનારને કડક સજા થાય એ જોવું પડશે. જેથી લોકોમાં પાણીને લઈને જાગૃતિ આવે.
કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને ભૂગર્ભ જળના બગાડ માટે દંડ સહિત જબરદસ્ત પગલાઓ સાથેની પદ્ધતિઓ વિકસિત અને અમલ કરવા પણ જણાવ્યું છે. ઓવરહેડ ટાંકી, શૌચાલયોમાં ફ્લશિંગનો વધુ પડતો ઉપયોગ, સ્નાન / હાથ ધોવાના / રસોડામાં પાણીનો બગાડ તેમજ ગ્રાહકના ઘર સુધી પાણીના પ્રસારણ / વિતરણ દરમિયાન લિકેજ / સીપેજને પાણીના બગાડના કેટલાક ચાવીરૂપ સ્ત્રોતોનું તરત જ સમારકામ કરવાની સૂચના આપી છે.
એકીકૃત જળ સંસાધન વિકાસ અંગેના રાષ્ટ્રીય આયોગના અહેવાલ મુજબ, વરસાદની માધ્યમથી ભારતની કુલ જળ ઉપલબ્ધતા વાર્ષિક આશરે 4000 બિલિયન ક્યુબિક-મીટર (બીસીએમ) છે, પરંતુ ઉપયોગી પાણીની ઉપલબ્ધતા માત્ર 1122 બીસીએમ સુધી મર્યાદિત છે.