ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
09 ડિસેમ્બર 2020
નવા કૃષિ કાયદાના વિરોધમાં આજે વિપક્ષનું એક પ્રતિનિધિમંડળ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળશે. કોરોના પ્રોટોકોલના કારણે વધુ સંખ્યામાં લોકોના જવા પર રોક છે. આથી કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી, એનસીપી પ્રમુખ શરદ પવાર અને માકપ મહાસચિવ સીતારમ યેચુરી સહિત 5 નેતાઓ રાષ્ટ્રપતિને મળશે.
ગઈકાલે સાંજે મળેલી બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ સાથે ખેડૂત નેતાઓએ નવા કૃષિ કાયદા સંબંધિત પોતાની ચિંતાઓ અને સરકારના પક્ષ પર ચર્ચા કરી. ખેડૂત નેતાઓ બેઠક પતાવી બહાર આવ્યા ત્યારે સૌથી મહત્વપૂર્ણ વાત સામે આવી તે મુજબ સરકાર નવા 3 કૃષિ કાયદા પાછા ખેંચવા માટે તૈયાર નથી. ખેડૂતોની માગણી મુજબ સરકાર કાયદામાં સંશોધન માટે તૈયાર છે. હવે સરકાર ખેડૂતોને આજે નવો પ્રસ્તાવ લેખિતમાં મોકલશે.
સરકારના પ્રસ્તાવ પર ચર્ચા માટે આજે ખેડૂત સંગઠનો પણ સિંઘુ બોર્ડર પર બેઠક કરશે. જેમાં આંદોલનની આગળની રણનીતિ ઉપર પણ ચર્ચા થશે. 40 ખેડૂત સંગઠનોની બેઠક બાદ ખેડૂતો એ વાતનો નિર્ણય કરશે કે સરકાર સાથે આગળની વાર્તા થશે કે નહીં. નવા કૃષિ કાયદાને પાછા ખેંચવાની માગણી પર અડી રહેલા ખેડૂતોના વલણને જોતા એ વાતની પણ આશંકા વ્યક્ત કરાઈ રહી છે કે સરકાર અને ખેડૂતો વચ્ચે આગળની વાતચીત મુશ્કેલ બની શકે છે.
