ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,20 જાન્યુઆરી 2022
ગુરુવાર
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સતત બીજા વર્ષે ૨૬ જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસ નિમિત્તે યોજાનારી પરેડમાં કોઈ વિદેશી મહેમાન હાજરી આપશે નહીં. કેન્દ્ર સરકાર સાથે જોડાયેલા સૂત્રો પાસેથી આ માહિતી મળી છે. સરકારી સૂત્રોએ જણાવ્યું છે કે કોરોનાના કારણે આ વર્ષે પ્રજાસત્તાક દિવસે મધ્ય એશિયાના દેશોમાંથી કોઈ વિદેશી મુખ્ય અતિથિ નહીં હોય. સરકારે પાંચ મધ્ય એશિયાઈ દેશો (કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન, તુર્કમેનિસ્તાન અને ઉઝબેકિસ્તાન)ને આમંત્રણ આપ્યા છે પરંતુ હવે યોજનાઓ રદ કરવામાં આવી છે. છેલ્લા કેટલાક અઠવાડિયામાં કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટનો ઝડપી ફેલાવો અને કઝાકિસ્તાનમાં તાજેતરના હિંસક વિરોધના પરિણામે ૨૨૦ થી વધુ લોકોના મોત થયા છે. જેના કારણે આ વર્ષે પ્રજાસત્તાક દિવસના કાર્યક્રમમાં મધ્ય એશિયાના નેતાઓની સહભાગિતા રદ કરવામાં આવી છે.
રાજદ્વારીએ જણાવ્યું હતું કે મધ્ય એશિયાઈ રાજ્ય અને ભારત હવે રાજદ્વારી સંબંધોની ૩૦મી વર્ષગાંઠ નિમિત્તે છ દેશોના નેતૃત્વની વર્ચ્યુઅલ સમિટ માટે જોર કરી રહ્યા છે, જોકે આ માટેની તારીખ હજુ નક્કી થવાની બાકી છે. આ વર્ષે ગણતંત્ર દિવસ માટે આમંત્રિતોની યાદીમાં બાંધકામ કામદારો, સફાઈ કામદારો, ફ્રન્ટલાઈન કામદારો અને ઓટો-રિક્ષા ચાલકોનો સમાવેશ થાય છે. તેનો હેતુ સમાજના દરેક વ્યક્તિને તક આપવાનો છે. માહિતી આપતા સંરક્ષણ મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું હતું કે પ્રજાસત્તાક દિવસની પરેડમાં ભાગ લેવા માટે પસંદ કરાયેલ ૧૨ ઝાંખીઓની અંતિમ યાદીમાં તમિલનાડુની ઝાંખીનો સમાવેશ થઈ શક્યો નથી. કોરોના મહામારીના કારણે આ વર્ષે પ્રજાસત્તાક દિવસની પરેડમાં ભાગ લેનારા લોકોની સંખ્યા ૭૦-૮૦ ટકા ઘટીને ૫,૦૦૦-૮,૦૦૦ આસપાસ આવશે. ગયા વર્ષની પરેડમાં લગભગ ૨૫,૦૦૦ લોકોને આવવાની મંજૂરી આપવામાં આવી હતી.
ઉલેખનીય છે કે ગત વર્ષે બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સનને ગણતંત્ર દિવસ પર આમંત્રિત કરવામાં આવ્યા હતા, પરંતુ બ્રિટનમાં ઝડપથી ફેલાતા કોરોનાના કારણે જોન્સનને પરેડના થોડા સમય પહેલા જ પોતાની મુલાકાત રદ કરવી પડી હતી. જે બાદ ગયા વર્ષે પણ ભારતે મુખ્ય અતિથિ વિના ગણતંત્ર દિવસની ઉજવણી કરી હતી.