ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 12 ઑગસ્ટ, 2021
ગુરુવાર
સંસદનું ચોમાસુ સત્ર હંગામાને ભેટ ચડી ગયું. આ સત્ર બે દિવસ જલદી પૂરું થયું, પરંતુ ચોમાસુ સત્રના છેલ્લા દિવસે રાજ્યસભામાં જે થયું એને લઈને સરકાર અને વિપક્ષ આમનેસામને આવી ગયા છે. વિપક્ષનો આરોપ છે કે બહારથી માર્શલ બોલાવીને વિપક્ષી સાંસદો સાથે ગેરવર્તણૂક કરવામાં આવી, પરંતુ હવે ગૃહનો વીડિયો સામે આવી ગયો છે જેનાથી સચ્ચાઈ ઉજાગર થઈ છે.
જે વીડિયો સામે આવ્યો છે એમાં જોવા મળી રહ્યું છે કે સાંસદ રાજસભાની વેલમાં આવીને પ્રદર્શન કરી રહ્યા છે. દરમિયાન મોટી સંખ્યામાં માર્શલ સાંસદોને રોકવાનો પ્રયત્ન કરવામાં લાગે છે. વીડિયો ફૂટેજમાં જોવા મળે છે કે સાંસદો અને માર્શલની વચ્ચે સતત ધક્કામુક્કી કરવામાં આવી રહી છે. આ દરમિયાન કેટલાક સાંસદ મેજ પર ચડતા જોવા મળી રહ્યા છે, તો કેટલીક મહિલા સાંસદો અને લૅડી માર્શલની વચ્ચે ધક્કામુક્કી થાય છે.
અત્રે જણાવવાનું કે વિપક્ષ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે રાજ્યસભામાં જ્યારે જબરદસ્તીથી વીમા બિલ પાસ કરાવવામાં આવી રહ્યું હતું ત્યારે બહારથી કેટલાક માર્શલો આવ્યા અને તેમણે સાંસદો સાથે ગેરવર્તણૂક કરી. આ દરમિયાન મહિલા સાંસદોને પણ નિશાન બનાવવામાં આવ્યાં.