ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 6 નવેમ્બર, 2021
શનિવાર
કોરોના સંક્રમણ જટિલ અને વ્યાપક છે. તેના લક્ષણો પણ તેવા જ છે. કોરોના સાથે જોડાયેલી એક જટિલ બાબત એ પણ છે કે કોરોનામાંથી સાજા થયા પછી પણ મોટી સંખ્યામાં લોકોના RT-PCR ટેસ્ટ પોઝિટિવ આવી રહ્યા છે. આ કારણે લોકો વિમાન પ્રવાસ કરી શકતા નથી. કારણ કે તમામ હવાઈ પ્રવાસમાં RT-PCR ટેસ્ટ નેગેટિવ આવવો જરૂરી છે. હવે કર્ણાટકને આ સમસ્યાનો ઉકેલ મળી ગયો છે.
કોરોના પર કર્ણાટક રાજ્યની ટેકનિકલ સલાહકાર સમિતિએ ભલામણ કરી છે કે આવા લોકોએ ક્લિનિકલ રિપોર્ટ્સ બતાવવાના રહેશે. જે દર્શાવે છે કે તેમનામાં કોરોનાના કોઈ લક્ષણો નથી. કમિટીના જણાવ્યા અનુસાર આ ક્લિનિકલ રિપોર્ટ માત્ર પ્રશિક્ષિત ડૉક્ટર દ્વારા જ તૈયાર કરવાનો રહેશે. રિપોર્ટના આધારે RT-PCR ટેસ્ટ પોઝિટિવ આવશે તો પણ પ્રવાસની પરવાનગી આપવામાં આવશે. આ સુવિધા માત્ર એવા લોકો માટે હશે જેઓ કોરોનામાંથી સાજા થયા છે, પરંતુ તેમનો રિપોર્ટ હજુ પણ પોઝિટિવ આવી રહ્યો છે.
મળેલી માહિતી અનુસાર કમિટીની આ ભલામણ કેટલાક IAS ઓફિસરોએ સમસ્યા ઉઠાવ્યા બાદ આવી છે. આ અધિકારીઓએ કહ્યું હતું કે ઘણા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ બેંગ્લોર આવવા માંગે છે, પરંતુ તેઓ આ પ્રવાસ કરી શકતા નથી. તેનું કારણ એ છે કે તેઓ કોરોનામાંથી સાજા થયા હોવા છતાં તેમના રિપોર્ટ સતત પોઝિટિવ આવી રહ્યા છે.
એક મીડિયા રિપોર્ટ અનુસાર કમિટીના એક સભ્યનું કહેવું છે કે 'ઘણી જગ્યાએ જો લોકોનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવે છે તો તેઓ ફ્લાઈટની ટિકિટ પણ ખરીદી શકતા નથી.' રિકવરી પછી પણ કોરોના ટેસ્ટ પોઝિટિવનો અર્થ છે કે વાયરસની હજુ પણ ઓછી અસર છે. આ પ્રકારના ટેસ્ટને વૈજ્ઞાનિક ભાષામાં ફોલ્સ પોઝીટીવ પણ કહેવામાં આવે છે. આ લોકોમાં કોઈ લક્ષણો હોતા નથી. તેમજ તેઓ અન્ય વ્યક્તિને ચેપ લગાવી શકતા નથી. ભાગ્યે જ આવા કેસ જોવા મળે છે.