ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૭ જૂન, ૨૦૨૧
સોમવાર
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કરેલા રાષ્ટ્રજોગ સંબોધનમાં રસીકરણના મામલે થયેલી રાજનીતિ માટે રાજ્ય સરકારોને માથે દોષનો ટોપલો નાખ્યો છે. આ વર્ષે ૧૬ જાન્યુઆરીથી શરૂ થયેલા રસીકરણ અભિયાન માટે રસી ઉપલબ્ધ કરાવી આપવાનું કામ પહેલાં સંપૂર્ણપણે કેન્દ્ર સરકાર હસ્તક હતું. ત્યાર બાદ વેક્સિનની અછતને કારણે કેન્દ્ર સરકાર પર વિપક્ષનું દબાણ વધતાં ૨૫% ટકા કામ રાજ્યોને આપવામાં આવ્યું હતું.
આ બાબતે વાત કરતાં આજે વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું કે “રાજ્ય સરકારના ઉત્સાહને ધ્યાનમાં રાખી અમે તેમને ૨૫% કામ કરવાની છૂટ આપી હતી. આખા વિશ્વમાં વેક્સિનની શું પરિસ્થિતિ છે એ રાજ્યના ધ્યાનમાં આવી ગયું.” મે મહિનાનાં બે અઠવાડિયાંમાં ફરી રાજ્ય સરકારોએ જૂની વ્યવસ્થાની માગ કરી હતી. એથી હવે ફરી રસીની ઉપલબ્ધતાનું સંપૂણ કામકાજ કેન્દ્ર સરકાર કરશે એમ મોદીએ ઉમેર્યું હતું.
મોટી જાહેરાત : કેન્દ્ર સરકાર તમામ ભારતવાસીઓને મફત વેક્સિન આપશે
ઉલ્લેખનીય છે કે હવે ઉત્પાદનનો ૭૫% પુરવઠો કેન્દ્ર સરકાર લેશે અને બાકીનો ૨૫% પુરવઠો ખાનગી હૉસ્પિટલો ખરીદી શકશે. હવે આગામી બે અઠવાડિયાં બાદ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ એટલે કે ૨૧ જૂનથી કેન્દ્ર રાજ્યોને નિ:શુલ્ક વેક્સિન પૂરી પાડશે.