ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
12 ડિસેમ્બર 2020
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ભારતીય વાણિજ્ય તથા ઉદ્યોગ મહાસંઘ (FICCI)ની 93મી વાર્ષિક સાધારણ સભા અને વાર્ષિક સંમેલનનું ઉદ્ઘાટન કર્યુ. આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ કૃષિ કાયદાને લઈ થઈ રહેલા આંદોલન પર મહત્વનું નિવેદન આપ્યું છે.
પીએમ મોદીએ કહ્યું કે, નવા કૃષિ સુધારાથી કિસાનોને ફાયદો જ થવાનો છે. નવા કૃષિ કાયદાથી કિસાનોને નવી બજાર મળશે, ખેડૂતોની આવક વધશે. પીએમ મોદીએ કહ્યુ કે, કૃષિ ક્ષેત્રમાં ખાનગી રોકાણથી કિસાનોને ખુબ ફાયદો થશે. તેમને નવા વિકલ્પ મળશે, નવાં બજાર ખુલશે.
આ સાથે પીએમ મોદીએ કહ્યું કે, જેટલું ખાનગી ક્ષેત્રે આપણા દેશમાં કૃષિ ક્ષેત્રે રોકાણ કરવું હતું તેટલું થયું નથી. આપણે અહીં કોલ્ડ સ્ટોરેજની સમસ્યા છે. ખાતરની સમસ્યા છે, તે આયાત કરવામાં આવે છે. આ માટે સાહસિકોએ આગળ આવવું જોઈએ. ખેડુતોને જેટલો વધુ ટેકો મળશે, જેટલું આપણે વધુ રોકાણ કરીશું, તેટલો ખેડૂત અને દેશ મજબુત બનશે.
નોંધનીય છે કે, કૃષિ સુધારણા કાયદાના વિરોધમાં અડધા મહિનાથી દિલ્હી ની સરહદ પર વિરોધ કરતાં ખેડૂતોને સમજાવવા સરકાર તમામ પ્રયાસો કરી રહી છે. ખેડૂતો સાથે અનેક તબક્કાની વાટાઘાટો યોજાઈ છે, પરંતુ કાયદો પાછો ખેંચી લેવાની જીદે અડેલા ખેડૂતો આ સુધારો સ્વીકારવા તૈયાર નથી. સરકારે ખેડૂતોને સમજાવાની કોશિષ અંતર્ગત કૃષિ મંત્રાલયે છાપામાં જાહેરાત આપી છે, તેમાં પીએમ મોદી ખેડૂતનો હાથ પકડી રહ્યા છે અને કૃષિ કાયદાના ફાયદા સમજાવી રહયાં છે. છાપામાં સાચું શુ છે તે સમજાવી લોકોની આ કાયદા અંગેની ગેરસમજો દુએ કરવાનો પ્રયત્ન કર્યો છે.
