ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૩૧ જુલાઈ, ૨૦૨૧
શનિવાર
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈએ તેમની માગણીઓ માટે ગુજરાતમાં વિરોધ કરી રહેલા વેપારીઓની તરફેણમાં અવાજ ઉઠાવ્યો છે. ભારતીય વડા પ્રધાનના ભાઈ પ્રહલાદ મોદીએ કહ્યું હતું કે વેપારીઓએ તેમની માગણીઓ પૂરી ન થાય ત્યાં સુધી GST ચૂકવવાનું બંધ કરવું જોઈએ. વિરોધ કરનારાઓની તરફેણમાં બોલતાં પ્રહલાદ મોદીએ કહ્યું કે નરેન્દ્ર મોદી હોય કે અન્ય કોઈ નેતા તેમણે વેપારીઓની વાત સાંભળવી પડશે.
પ્રહલાદ મોદી દેશભરમાં 6.50 લાખ રૅશન દુકાનદારોનું પ્રતિનિધિત્વ કરવાનો દાવો કરે છે. પ્રહલાદ મોદી ઑલ ઇન્ડિયા ફેર પ્રાઇસ શૉપ ઍસોસિયેશનના ઉપાધ્યક્ષ અને વડા પ્રધાન મોદીના ભાઈ છે. તેમણે વેપારીઓને મહારાષ્ટ્ર સરકાર અને કેન્દ્ર સરકાર સામેના વિરોધને ઉગ્ર બનાવવા જણાવ્યું હતું, જેથી તેમની માગણીઓ પૂર્ણ થાય અને સરકારને સંદેશ મળે.
થાણેમાં થતા એક વિરોધ દરમિયાન તેમણે હાજરી નોંધાવી હતી અને કહ્યું હતું કે “પહેલા વેપારીઓએ તેમની માગણીઓ અંગે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનને પત્ર લખવો જોઈએ કે જ્યાં સુધી માગણીઓ પૂરી ન થાય ત્યાં સુધી અમે GST ચૂકવીશું નહીં. આપણે લોકશાહીમાં છીએ, ગુલામીમાં નથી.”
ઉલ્લેખનીય છે કે થાણે સહિત ઉલ્હાસનગર અને અંબરનાથના વેપારીઓ પણ અહીં હાજર હતા. વેપારીઓએ માગ કરી હતી કે કોરોના મહામારી દરમિયાન તમામ નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ વેપારીઓ સામે દાખલ કરવામાં આવેલા કેસ પાછા ખેંચવામાં આવે.