ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 17 સપ્ટેમ્બર, 2021
શુક્રવાર
આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદી 71મો જન્મદિવસ ઊજવી રહ્યા છે. દિવસે ને દિવસે વૈશ્વિક સ્તરે તેમના વધતા જતા કદ સામે ભારતીયો પણ ગર્વ અનુભવી રહ્યા છે. તાજેતરમાં ‘ટાઇમ’ મૅગેઝિને વર્ષ 2021ના 100 પ્રભાવશાળી હસ્તીઓની યાદીમાં નરેન્દ્ર મોદીનો સમાવેશ કર્યો છે. એના પરથી તેમની વૈશ્વિક સ્તરે વધતી જતી લોકપ્રિયતા જણાઈ રહી છે. કોરોનાકાળમાં તેમણે લીધેલા સકારાત્મક નિર્ણયને કારણે દેશમાં તેમની લોકપ્રિયતામાં હજી વધારો થયો છે. સાથે જ અનેક રેકૉર્ડ પણ તેમણે પોતાના નામે કરી લીધા છે.
એક તરફ અફઘાનિસ્તાનમાં સૈન્યને પાછા બોલાવવાના અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડનના નિર્ણયને કારણે દુનિયાભરમાં તેમની છબી ખરાબ થઈ છે, એની સામે નરેન્દ્ર મોદીના નિર્ણયોને કારણે દિવસે ને દિવસે તેઓ વધુ લોકપ્રિય થઈ રહ્યા છે. હાલમાં જ અપ્રૂવલ રેટિંગમાં દુનિયાના તમામ નેતાઓને પછાડીને તેઓ પહેલા નંબર પર આવ્યા છે. તેમણે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન, બ્રિટનના વડા પ્રધાન બોરિસ જોન્સન, જર્મનીનાં ચાન્સેલર એંજેલા મર્કેલ, કૅનેડાના વડા પ્રધાન જસ્ટિન ટૂડોને પાછળ મૂકી દીધા છે. મોદીની અપ્રૂવલ રેટિંગ 70 ટકા છે, જે વિશ્વના તમામ નેતાઓમાં વધુ હોવાનો દાવો ધ મૉર્નિંગ કન્સલ્ટના સર્વેમાં કરવામાં આવ્યો છે.
આ સર્વેમાં બીજા નંબરે મૅક્સિકોના રાષ્ટ્રપતિ આંદ્રે મેન્યુલ લોબેજ ઓબ્રેડર છે. તેમની અપ્રૂવલ રેટિંગ 64 ટકા છે. જ્યારે ઇટલીના વડા પ્રધાન મારિયો દ્રાધી ત્રીજા નંબરે 63 ટકા અપ્રૂવલ રેટિંગ સાથે છે.
આ વર્ષના જૂનમાં જાહેર થયેલા રેટિંગ અપ્રૂવલની અપેક્ષાએ મોદીના હાલના રેટિંગ અપ્રૂવલમાં સુધારો આવ્યો છે. જૂનમાં અપ્રૂવલ રેટિંગ 66 ટકા હતું. આ અગાઉ પણ જુલાઈમાં વડા પ્રધાને મોટી સિદ્ધિ હાંસલ કરી હતી. જુલાઈમાં તેઓ એવા પહેલા નેતા બની ગયા હતા, જેના સોશિયલ મીડિયા ટ્વિટર પર સાત કરોડ ફોલોઅર્સ હોય. નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે 2009થી ટ્વિટરનો ઉપયોગ કરી રહ્યા છે, ત્યારે તેમના એક લાખ ફોલોઅર્સ હતા.
અગાઉ તેમનું નામ ગિનીઝ બુક ઑફ રેકૉર્ડમાં પણ આવી ગયું છે. તેમણે એક સૂટ પહેર્યો હતો, એની લિલામીમાં એક વેપારીએ એને 4.3 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. ગિનીઝ બુકમાં એ સૌથી મોંઘા સૂટ તરીકે નોંધાયો છે. એ અગાઉ 10 ડિસેમ્બર, 2012માં પણ તેમનું નામ ગિનીઝ બુકમાં નોંધાયું હતું. એ સમયે 3-ડી ટેક્નોલૉજીના માધ્યમથી તેમણે એકસાથે 53 સ્થળ પર લોકોને 55 મિનિટ સુધી સંબોધ્યા હતા. આ સંબોધન 3-ડી હોલોગ્રાફિક પ્રોજેક્શન ટેક્નિકના માધ્યમથી થયું હતું.
17 સપ્ટેમ્બર, 2016ના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના 66મા જન્મદિવસે ત્રણ ગિનીઝ બુક ઑફ વર્લ્ડ રેકૉર્ડ બન્યા હતા. જેમાં 989 દિવ્યાંગોએ એક સ્થાને દીવા પ્રજ્વલિત કર્યા હતા. આ કાર્યક્રમમાં જ એક વ્હીલ ચેર લોગો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં 1,000 દિવ્યાંગોએ ભાગ લીધો હતો. સૌથી વધુ વ્હીલ ચેર સાથે લોકો એકસાથે જોડાયા હતા, જેમાં વિશ્વ રેકૉર્ડ સ્થાપિત થયો હતો. એ સિવાય એક રેકૉર્ડ બહેરા લોકોને સાંભળવાનું મશીન બેસાડવાનો હતો. 8 કલાકમાં 600 લોકોને નિઃશુલ્ક સાંભળવાનું મશીન બેસાડવામાં આવ્યું હતું.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નામ પર અનેક રેકૉર્ડ છે, જેમાં બિનકૉન્ગ્રેસી પક્ષના સૌથી વધુ લાંબા સમય માટે સત્તા પર રહીને વડા પ્રધાન બનવાનો રેકૉર્ડ પણ તેમના નામ પર થઈ ગયો છે.
