ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 24 સપ્ટેમ્બર, 2021
શુક્રવાર
ભારતીય કંપની બાયોટેક વેક્સિન ‘કો-વેક્સિન’ને વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન (WHO)એ હજી સુધી માન્યતા આપી નથી. WHOની માન્યતા નહીં ધરાવનારી વેક્સિન લેનારાઓને વિદેશમાં કોરોનાને લગતા ક્વૉર્ન્ટાઇનથી લઈને તમામ નિયમો પાળવા પડે છે. તો અમુક દેશમાં તો પ્રવેશ પર જ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. ત્યારે હાલમાં જ અમેરિકાની મુલાકાતે ગયેલા ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ‘કો-વેક્સિન’ લીધી છે, તો પછી નરેન્દ્ર મોદીને અમેરિકાએ તેમના દેશમાં આવવાની મંજૂરી કેવી રીતે આપી? એ સવાલ સોશિયલ મીડિયા પર હાલ ટ્રેન્ડ થઈ રહ્યો છે.
‘કો-વેક્સિન’ને WHOએ હજી સુધી માન્યતા આપી નથી તેમ જ અમેરિકાની ફૂડ ઍન્ડ ડ્રગ ઍડમિનિસ્ટ્રેશન દ્વારા પણ માન્યતા મળી નથી. બ્રિટન સાથે ભારતનો હજી સુધી કોવિશીલ્ડનો વિવાદ ચાલી રહ્યો છે, ત્યાં વેક્સિનેટેડ લોકોને પણ 10 દિવસનો ક્વૉર્ન્ટાઇનનો નિયમ પાળવો પડે છે.
એવામાં ભારતની બાયોટેકની ‘કો-વેક્સિન’ વેક્સિનના બંને ડોઝ લેનારા હજારો ભારતીયનું વિદેશમાં જવાનું અટકી પડ્યું છે, ત્યારે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને અમેરિકા જવાની મંજૂરી કેવી રીતે મળી? એને લઈને સોશિયલ મીડિયા પર સવાલો થઈ રહ્યા છે.
આ મુદ્દા પર આંતરરાષ્ટ્રીય બાબતોના નિષ્ણાતોના કહેવા મુજબ વેક્સિનનો મુદ્દો ફક્ત ભારત સાથે જ નથી જોડાયેલો. વિશ્વના અનેક દેશો સાથે આ સમસ્યા છે. અમેરિકા માન્યતાપ્રાપ્ત વેક્સિન દરેક દેશ પાસે ઉપલબ્ધ થાય એવું શક્ય નથી. એથી અમુક પ્રકરણને અપવાદ ગણીને છૂટછાટ આપવામાં આવી રહી છે. એમાં વિદેશી બાબત સાથે સંકળાયેલા તેમ જ રાજકારણીઓને ખાસ છૂટ આપવામાં આવી રહી છે. એ અંતર્ગત વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ‘કો-વેક્સિન’ લીધા બાદ પણ અમેરિકામાં પ્રવેશ મળ્યો છે.
અહીં ઉલ્લેખનીય છે કે વડા પ્રધાન અમેરિકામાં સંયુક્ત રાષ્ટ્ર મહાસંઘના 76મા અધિવેશનમાં ગયા છે. શનિવારે તેઓ સભાને સંબોધવાના છે, જેમાં દુનિયાના 193 દેશના પ્રતિનિધિ હાજર રહ્યા છે.