ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૮ જૂન ૨૦૨૧
મંગળવાર
આજે પ્રતિનિધિમંડળ સાથેની સત્તાવાર બેઠક દરમિયાન મુખ્ય પ્રધાન અને વડા પ્રધાન વચ્ચે થોડાક સમય માટે બંધ બારણે બેઠક થઈ હતી. ઉદ્ધવ ઠાકરેએ પોતે વડા પ્રધાન સાથે વ્યક્તિગત મુલાકાત કરી હોવાની વાત સ્વીકારી હતી. ઉપલબ્ધ માહિતી અનુસાર વડા પ્રધાન અને મુખ્ય પ્રધાન વચ્ચેની બેઠક લગભગ 30 મિનિટ સુધી ચાલી હતી.
વડા પ્રધાન સાથે મુલાકાત બાદ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ દિલ્હીના મહારાષ્ટ્ર સદનમાં એક પત્રકાર પરિષદ યોજી હતી. પત્રકાર પરિષદમાં ઠાકરેએ વડા પ્રધાન સાથેની તેમની અંગત મુલાકાત વિશે માહિતી આપી હતી. આ પ્રસંગે બોલતાં મુખ્ય પ્રધાને કહ્યું હતું કે "જો અમે સત્તામાં સાથે ન હોઈએ તો પણ તેનો અર્થ એ નથી કે સંબંધ તૂટી ગયો છે. આ પહેલાં અમે ઘણા લાંબા સમયથી સાથે રહ્યા છીએ. તેથી મેં તેમની સાથે વ્યક્તિગત મુલાકાત કરી હતી.”
જોકેઆ દરમિયાન કયા મુદ્દાઓ પર ચર્ચા થઈ એ અંગે કોઈપણ સ્પષ્ટતા કરી નહોતી. આ બાબતે સવાલ થતાં ઠાકરેએ વાત બદલી નાખતાં કહ્યું હતું કે “વડા પ્રધાનને મળવામાં કંઈ ખોટું નથી, હું મારા વડા પ્રધાનને મળવા ગયો હતો, નવાઝ શરીફને મળવા નથી ગયો.” હવે આ અંગે રાજનૈતિક વિશ્લેષકો જુદી-જુદી વાત કહી રહ્યા છે. એક વાત ચોક્કસ છે કે આ અંગત બેઠક બાદ મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે.
