ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
08 ડિસેમ્બર 2020
કૃષિ કાયદાના સતત વિરોધ છતાં પણ નિયમોમાં સુધારો એ સમયની માંગ હોવાનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે. તેમણે કહ્યું કે, વિકાસ માટે સુધારા જરૂરી છે. પાછલી સદીના કેટલાક કાયદાઓ બોજ બની ગયા છે. જૂના કાયદાઓ સાથે નવી સદી બનાવી શકાતી નથી.
વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે તેમની સરકાર મોટા પાયે સુધારણા કરી રહી છે. જ્યારે અગાઉના સુધારાઓ અમુક ક્ષેત્ર અને રાજ્યોને ધ્યાનમાં રાખીને જ થતા હતા. મોદી સરકારે છેલ્લા કેટલાક વર્ષોમાં કરેલા સુધારાથી દેશનો વિશ્વાસ વધ્યો છે.
સ્થાવર મિલકત માટે બનાવેલા કાયદા, 'રેરા'નું ઉદાહરણ આપતા વડા પ્રધાને કહ્યું કે આનાથી મધ્યમ વર્ગને ઝડપથી મકાનો મળી રહયાં છે. આજે પણ શહેરોમાં સમસ્યા એ છે કે કેટલાક લોકોને ભાડા માટે મકાનો શોધવામાં મુશ્કેલી પડે છે, જ્યારે મોટી સંખ્યામાં મકાનો ખાલી છે. આને પહોંચી વળવા રાજ્યોને કાયદામાં છૂટ પણ આપવામાં આવી છે.