ન્યૂઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, 5 એપ્રિલ 2021
સોમવાર
રાફેલ મુદ્દે ફરી એકવાર સોમવારે વિપક્ષે કેન્દ્ર સરકારને સવાલ પૂછ્યા હતા. ફ્રાંસના એક ન્યૂઝ પોર્ટલ ‘મીડિયાપાર્ટ’એ રાફેલ પેપર્સ નામનો એક લેખ પ્રકાશિત કર્યો હતો, ત્યાર બાદ સંપૂર્ણ પ્રકરણ પાછું પ્રકાશમાં આવ્યું છે. મીડિયાપાર્ટના અહેવાલ પ્રમાણે રાફેલ વિમાન બનાવતી ફ્રાંસની કંપની દસોલ્ટે ભારતમાં એક વાચેટિયાને એક મિલિયન યુરો ભેટ તરીકે આપ્યા હતા.
આ મુદ્દે સરકારને ઘેરતા કોંગ્રેસે ટ્વીટ કર્યું હતું કે “ફ્રાંસના ન્યૂઝ પોર્ટલ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે ૨૦૧૬માં જયારે ભારત-ફ્રાંસ વચ્ચે રાફેલ યુદ્ધ વિમાનને લઈને કરાર થયા તે બાદ દસોલ્ટે ભારતમાં એક વાચેતિયાને આ રકમ આપી છે. આ વાતનો ખુલાસો ત્યારે થયો જયારે ફ્રાંસની એન્ટી કરપ્શન એજન્સીએ દસોલ્ટના એકાઉન્ટસનું ઓડીટ કર્યું હતું.”
કોંગ્રેસના પ્રવક્તા રણદીપસિંહ સુરજેવાલાએ પત્રકાર પરિષદ કરી જણાવ્યું કે આ સોદો જો બે સરકારો વચ્ચે થયો હતો તો આમાં વાચેટિયો ક્યાંથી આવ્યો. ઉપરાંત ફરી રાફેલની કિંમત અંગે સવાલ ઉઠાવ્યો હતો. AFAએ દસોલ્ટને પૂછ્યું હતું કે તેમણે પોતાના જ મોડેલ બનાવવા માટે ભારતની કંપનીને કોન્ટ્રાક્ટ આપવાની શું જરૂર હતી અને તેને ગીફ્ટ ટુ ક્લાયન્ટ કેમ લખવામાં આવ્યું એ સવાલ પણ સુરજેવાલાએ સાથે ટાંક્યો હતો.
મીડિયા પાર્ટના અહેવાલ અનુસાર દસોલ્ટે આ ખર્ચ માટે સ્પષ્ટીકરણ આપતા ભારતની DefSys Solutions (ભારતમાં સબ-કોન્ટ્રાક્ટર કંપની) તરફથી આપવામાં આવેલું ૩૦ માર્ચ ૨૦૧૭નું બીલ AFAને આપ્યું હતું. આ બીલ ૫૦ વિમાન બનાવવા માટે ઓર્ડરનું અડધા કામ માટેનું હતું. એક મોડેલની કિંમત ૨૦ હજાર યુરોથી વધુ હતી.