ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
28 ડિસેમ્બર 2020
કોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધી માટે રાજકારણ એક ખાનદાની બિઝનેસ જેવું છે. દેશમાં એક બાજુ ખેડૂતોના આંદોલનો ચાલી રહયાં છે. બીજી બાજુ આજે દાદા-નાના દ્વારા સ્થપાયેલી કોંગ્રેસ પાર્ટીનો 136મો સ્થાપના દિવસ છે. એવા સમયે પાર્ટીના સ્થાપના દિવસના એક દિવસ પહેલા જ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી તેમની વ્યક્તિગત યાત્રા પર વિદેશ જતાં રહ્યાં છે.
કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ આ વાતની પુષ્ટિ કરી છે. તેમની મુલાકાત એવા સમયે આવી છે જ્યારે પાર્ટી સોમવારે તેનો સ્થાપના દિવસ મનાવી રહી છે અને દેશભરમાં ત્રિરંગોનો પ્રવાસ કરી રહી છે. રાહુલ ગાંધીની ગેરહાજરીમાં હવે એ જોવાનું કે પાર્ટી મુખ્યાલયમાં ત્રિરંગો કોણ ફરકાવશે. જો કે એવુ માનવામાં આવી રહ્યું છે કે પ્રિયંકા ગાંધી વાડ્રા આ જવાબદારી નિભાવી શકે છે. કારણ કે આરોગ્યની સમસ્યાને લઇને સોનિયા ગાંધી સાર્વજનિક કાર્યક્રમોમાં હાજરી આપી રહ્યાં નથી.
નોંધનીય છે કે રાહુલ પર પીકનીક પોલિટિક્સ કરવાના વારંવાર આરોપો લાગી ચુક્યા છે. હજુ ગુરુવારે તો રાહુલ ગાંધીએ કૃષિ કાયદાઓ વિરુદ્ધ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ને મળવા પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું હતું અને સરકારને ખેડુતોની માંગણીઓ ધ્યાનમાં લેવા વિનંતી કરી એક મેમોરેન્ડમ પણ આપ્યુ હતું..
રાહુલ ગાંધીના વિદેશ પ્રવાસ પર રવાના થવા પર ભાજપના સાંસદ ગિરિરાજ સિંહે ટકોર કરી છે. ગિરિરાજ સિંહે કહ્યું કે, 'ભારતમાં રાહુલ ગાંધીની રજા પુરી થઇ ગઇ છે. આથી તેઓ ઇટાલી પરત ફરયાં છે.'
રાહુલ ગાંધી એવા સમયે દેશની બહાર છે જ્યારે પાર્ટીના સ્થાપના દિવસ અને નવા અધ્યક્ષની પસંદગીને લઇને આંતરિક ચૂંટણી પ્રક્રિયા શરુ થઇ ગઇ છે. તે સિવાય સોશિયલ મીડિયાપર લોકોનું કહેવું છે કે તેઓ રાજનીતિને લઇને ગંભીર નથી.
સૂત્રોને મળતી જાણકારી મુજબ રાહુલ ગાંધી ઇટાલી ગયા છે. રાહુલ ગાંધી કતાર એરવેઝની ફલાઇટથી ઇટાલીના મિલાન જવા રવાના થયા છે