ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 21 ફેબ્રુઆરી 2022,
સોમવાર,
લોકલ ટ્રેનો અને બહારગામની ટ્રેનોમાં ટિકિટ વગર પ્રવાસ કરનારા ખુદાબક્ષો સામે રેલવે દ્વારા સતત ઝુંબેશ ચલાવવામાં આવે છે. રેલવેએ નાણાકીય વર્ષ 2021-22ના પ્રથમ નવ મહિનામાં 1.78 કરોડથી વધુ ટિકિટ વગરના અને સામાનની બુકિંગ કર્યા વગરના પ્રવાસીઓને પકડી પાડયા હતા.
કોરોનાને પગલે રેલવેમાં પ્રવાસ પર અનેક પ્રતિબંધો હતા. છતાં અનેક લોકો કાયદાનો ભંગ કરીને તેમ જ ટિકિટ વગર પ્રવાસ કરતા હોવાનું જણાઈ આવ્યું છે.
રાઈટ ટુ ઇન્ફોર્મેશન એકટ હેઠળ મળેલી માહિતી મુજબ નોન કોવિડ વર્ષ એટલે કે 2019-20માં ટિકિટ વગર અને સામાનનું બુકિંગ કર્યા વગરના પ્રવાસીઓની સરખામણીમાં 2021-22ના વર્ષમાં આ પ્રમાણ 79 ટકા વધુ છે. કોરોનાગ્રસ્ત નાણાકીય વર્ષ 2020-21માં આવા પ્રવાસીઓની સંખ્યા 27 લાખ હતી.
રાઈટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ હેઠળ મળેલી માહિતી મુજબ 2021-22માં આવા ખુદાબક્ષો પાસેથી 1017.48 કરોડ રૂપિયાનો દંડ વસૂલ્યો હતો. તો 2020-21માં 27.57 લાખ યાત્રીઓ પાસેથી 143.82 કરોડ રૂપિયા અને 2019-20માં 1.10 કરોડ યાત્રીઓ પાસેથી 561.73 કરોડ રૂપિયાનો દંડ વસૂલ્યો હતો.