ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
19 ઓક્ટોબર 2020
ભારતીય રેલ્વે હવે પેન્ટ્રી કારોને એસી 3 કોચમાં ફેરવવાની યોજના બનાવી રહ્યું છે કારણ કે તેણે કોરોનાવાયરસ ફાટી નીકળવાના કારણે ટ્રેનોમાં ખાવા-પીવાનું પીરસવું બંધ કરી દીધું છે. સંસાધનોનો બગાડ ન થાય તે માટે રેલવે દ્વારા આ પગલું લેવામાં આવી રહ્યું છે. અહેવાલો અનુસાર, રેલવે 300 ટ્રેનની પેન્ટ્રી કારોને એસી થ્રી ટાયર કોચમાં ફેરવશે.
પેન્ટ્રી કાર એ ટ્રેનમાં એક વિશેષ કોચ છે જેનો ઉપયોગ મુસાફરો માટે ભોજન તૈયાર કરવા અને પીરસવા માટે કરવામાં આવે છે. આરોગ્યની ચિંતાને કારણે રેલવે દ્વારા કોરોનાવાયરસ રોગચાળાની વચ્ચે ખાસ ટ્રેનોનું સંચાલન ફરી શરૂ કરાયા બાદ પેન્ટ્રી કાર સેવાની સિસ્ટમ બંધ થઈ ગઈ હતી.
પેન્ટ્રી સિસ્ટમ બદલવા માટે, રેલ્વે દરેક મોટા સ્ટેશનોમાં કેટરિંગ માટે આઈઆરસીટીસી આધારિત રસોડું તૈયાર કરી રહ્યું છે, જેના દ્વારા આ ટ્રેનોમાં ભોજન ઉપલબ્ધ કરાવવામાં આવશે. નવી કિચન સિસ્ટમમાં મુસાફરોને ઓનલાઇન ફૂડ ઓર્ડર કરવાનો વિકલ્પ આપવામાં આવશે. રેલ્વે દ્વારા લેવામાં આવેલું આ નવું પગલું વધુ આવક પેદા કરવા અને કેટરિંગ સુવિધાને વધારવાનું સાધન બનશે એ નક્કી છે..
