ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 18 ફેબ્રુઆરી 2022,
શુક્રવાર,
ભારતીય રેલ્વેની ટ્રેનોમાં કાયમ જમવાનું ખરાબ મળતું હોવાનું અને અનેક વખત જમવામાં ઈયળો આવી હોવાની ફરિયાદો આવતી હોય છે. તેથી ભોજનનો ઓર્ડર આપતી વખતે પ્રવાસીઓ સો વખત વિચાર કરતા હોય છે. જોકે હવે રેલવેએ આ સંબંધમાં પ્રવાસીઓની ફરિયાદોને લઈને ભોજનની ગુણવત્તા સુધારવા ગંભીર નિર્ણય લીધો છે.
મળેલ માહિતી અનુસાર પ્રવાસીઓની ફરિયાદોને ધ્યાનમાં રાખીને ભારતીય રેલ્વે અને IRCTCએ હવે એક વિશેષ યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ ટ્રેનોમાં ખોરાકની ગુણવત્તા સુધારવા માટે ફૂડ સેફ્ટી સુપરવાઈઝરની નિમણૂક કરવામાં આવશે.
રેલ્વેના દાવા મુજબ ભોજનના સ્વાદ અને ગુણવત્તા બંને બાબતે રેલવે પ્રશાસન ખૂબ જ ગંભીર છે. આ ફૂડ સેફ્ટી સુપરવાઈઝર માત્ર રસોઈની પ્રક્રિયા જ તપાસશે નહીં, તેઓ રસોઈમાં લાગતા તેલ, ઘી, મસાલા વગેરેની પણ તપાસ કરશે. આ સુપરવાઈઝરની નિમણૂક ઓનલાઈન બિડિંગ (ઈ-બીડ) દ્વારા કરવામાં આવશે. IRCTC તેના બેઝ કિચનમાં આ સુપરવાઈઝરની નિમણૂક કરશે.
અહીં ઉલ્લેખનીય છે કે રેલવેની આવકનો મોટો હિસ્સો મુસાફરોને આપવામાં આવતા ભોજનમાંથી આવે છે. દેશની 70 ટકા ટ્રેનોમાં ભોજન પીરસવામાં આવે છે. વર્તમાન પરિસ્થિતિમાં, રેલવેની આવકના 20 ટકા મુસાફરોને આપવામાં આવતા ભોજનમાંથી આવે છે. કોરોના પહેલા રેલવેની આવકનો 45 ટકા રેલવે ભોજનમાંથી આવતો હતો. કોરોના રોગચાળા પછી આ ભોજનમાંથી થતી કમાણી ઘટી ગઈ છે. તેથી, રેલવે હવે ભોજનની ગુણવત્તામાં સુધારો કરીને મુસાફરોને આરોગ્યપ્રદ અને સ્વાદિષ્ટ ખોરાક આપવાનો પ્રયાસ કરી રહી છે.