ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 16 સપ્ટેમ્બર, 2021
ગુરુવાર
ભારતીય રેલવે દેશના ખૂણેખાંચરે ફેલાયેલી છે. એમ તો રેલવે વખાણવાલાયક સેવા-સુવિધા પ્રવાસીઓને આપે છે, પરંતુ મોટા ભાગે ભારતીય રેલવેની ટ્રેનો એના નિયત સમય કરતાં મોડી હોવા માટે જાણીતી છે. જોકે હવે રેલવે પોતાના માથા પર રહેલા લેટ લતીફના લેબલને દૂર કરવા માટે કમર કસી છે. જે હેઠળ અનેક ટેક્નિકલ, ફિઝિકલ બાબતોમાં સુધારો કરવાની છે. તેમ જ નવું ટાઇમ ટેબલ પણ તૈયાર કરી રહી છે.
નવા ટાઇમ ટેબલ મુજબ ટ્રેન દોડાવવા માટે લિંક એક્સપ્રેસ અને સ્લીપ કોચના સંચાલનની સંખ્યામાં ઘટાડો કરવામાં આવવાનો છે. એને કારણે કોઈ પણ ટ્રેનમાં વધારાના કોચ જોડવા અથવા કોચ ઘટાવાની જરૂર પડશે નહીં. કોચ જોડવા અને ઘટાડવામાં સમય વેડફાય છે અને પાછળની ટ્રેનો પણ એને કારણે મોડી પડતી હોય છે, પરંતુ હવે એ બંધ કરવાથી સમયની બચત થશે અને ટ્રેન સયમસર દોડાવવામાં મદદ મળશે. ઉત્તર રેલવેએ પોતાની આઠ ટ્રેનોમાં આ સુવિધા ખતમ કરવાનો નિર્ણય લીધો છે.
રેલવેએ હવે નવા ટાઇમ ટેબલને અમલમાં મૂકવાની તૈયારી કરી છે. છેલ્લાં અમુક વર્ષોથી ઑક્ટોબરમાં નવું ટાઇમ ટેબલ આવતું હોય છે, પરંતુ કોરોનાને પગલે હાલ સ્પેશિયલ ટ્રેનો જ દોડી રહી છે. એથી ગયા વર્ષે નવું ટાઇમ ટેબલ જાહેર થયું નહોતું. જોકે આ વર્ષે ઑક્ટોબરમાં જાહેર કરવાની તૈયારી ચાલી રહી છે. અનેક ટ્રેનોની સ્પીડ વધારવામાં આવવાની છે એથી એના ઑપરેટિંગ સમયમાં પણ ફેરફાર થશે. અમુક ટ્રેનોની ફેરી વધારવામાં આવશે. એની સાથે જ ઑપરેટિંગ વ્યવસ્થિત રીતે થાય એ માટે અમુક રૂટ પર લિંક એક્સપ્રેસ બંધ કરવાની તૈયારી છે.
અહીં ઉલ્લેખનીય છે કે લિંક એક્સપ્રેસમાં અલગ અલગ સ્થળોથી આવનારી બે ટ્રેનને કોઈ પણ એક સ્ટેશન પર આપસમાં જોડી દેવામાં આવે છે. ત્યાર બાદ બંને ટ્રેનનું એકમાં રૂપાંતર થયા બાદ એ આગળના સ્ટેશન પર રવાના થાય છે, તો સ્લીપ કોચમાં કોઈ ટ્રેનના અમુક કોચ કોઈ સ્ટેશન પર અલગ કરી દેવામાં આવે છે. ત્યાર બાદ એ ટ્રેનને આગળ દોડાવવામાં આવે છે.