ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 8 નવેમ્બર, 2021
સોમવાર
ભારત દેશમાં ભગવાન રામ, રામાયણનો ગ્રંથ અને રામાયણ કાળના સ્થળો પ્રત્યે લોકોને ખૂબ આસ્થા છે. શ્રધ્ધાળુઓ માટે રામાયણ સર્કિટ ટ્રેન શરૂ કરવામાં આવી છે. જે રામકાળના સ્થળોની યાત્રા કરાવશે. દેશની આ પહેલી રામાયણ સર્કિટ ટ્રેન 7 નવેમ્બરના રોજ દિલ્હીના સફદરજંગ રેલવે સ્ટેશનથી રવાના થઈ હતી. આ ટ્રેન 17 દિવસની સફરમાં અયોધ્યા, સીતામઢી અને ચિત્રકૂટ સહિત ભગવાન શ્રી રામ સાથે સંકળાયેલા અનેક અગ્રણી સ્થળોની મુલાકાત લેશે.
દેશની પ્રથમ રામાયણ સર્કિટ ટ્રેન વિશે રેલ્વે અને કાપડ રાજ્ય મંત્રી દર્શના જર્દોષે ટ્વિટર પર લખ્યું હતું કે, "જય શ્રી રામ! પહેલી રામાયણ સર્કિટ ટ્રેન આજે દિલ્હીના સફદરજંગ રેલવે સ્ટેશનથી રવાના થઈ રહી છે. આ ટ્રેન ભારતીય રેલ્વેનો એક નવતર પ્રયાસ છે." તો ભારતીય જનતા પાર્ટીના નેતા ચિત્રા વાઘે પીએમ મોદીને ટ્વીટ કરીને આવી ટ્રેન ચલાવવા બદલ અભિનંદન પાઠવ્યા છે.
વધુ જાણો આ ટ્રેન વિશે
* રામાયણ સર્કિટ ટ્રેન દ્વારા ભગવાન શ્રી રામ સાથે જોડાયેલા ધાર્મિક સ્થળોની મુલાકાત લેવાના હેતુથી આ ટ્રેન સેવા શરૂ કરવામાં આવી છે.
* આ ટ્રેન દ્વારા કુલ 17, 500 કિ.મીની સફર 17 દિવસમાં પૂર્ણ કરવામાં આવશે. ટ્રેન દિલ્હીના સફદરજંગ રેલવે સ્ટેશનથી ઉપડશે.
* યાત્રાનું પહેલું સ્ટોપ અયોધ્યા હશે.
અયોધ્યાથી આ ટ્રેન સીતામઢી જશે, જ્યાં નેપાળમાં રામ જાનકીના મંદિરની મુલાકાત લઈ શકાશે. ટ્રેનનું આગળનું સ્ટોપ ભગવાન શિવનું શહેર કાશી હશે. પછી ચિત્રકૂટ અને ત્યાંથી નાસિકની યાત્રા ટ્રેન કરાવશે. નાશિક પછી હમ્પીનું પ્રાચીન કિષ્કિંધા શહેર તેનું આગલું સ્ટોપ હશે. અહીંથી અંજની પર્વતમાં સ્થિત હનુમાનજીનું જન્મસ્થળ જોઈ શકાશે. તેનું છેલ્લું સ્ટોપ રામેશ્વરમ હશે. અહીંથી આ ટ્રેન 17માં દિવસે દિલ્હી માટે રવાના થશે. જેમાં ફર્સ્ટ ક્લાસનું ભાડું 1,02,095 રૂપિયા અને સેકન્ડ ક્લાસનું ભાડું 82,950 રૂપિયા છે.
