ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
22 મે 2020
દેશમાં ચાલી રહેલા કોરોના વાયરસના આક્રમણ અને લોકડાઉનને પગલે ભારતીય રિઝર્વ બેંક (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસ આજે પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં તેઓએ રેપોરેટમાં 0.40 ટકાનો કાપ મુકીને રેપોરેટને ૪ ટકા ઉપર સ્થિર રાખ્યો છે. ત્યારે રિવર્સ રેપોરેટ ઘટાડીને ૩.૩૫ ટકા રાખવામાં આવ્યો છે. સૌથી મહત્વની જાહેરાત આજે શકિતકાંત દાસે એવી કરી છે કે ત્રણ માસ માટે મોરેટોરિયમની મર્યાદા વધારી દેવામાં આવી છે અને આમ લોકોને મોરેટોરિયમનો છ માસનો ટોટલ લાભ રહેશે એટલે કે લોકોને વધુ ત્રણ મહિના સુધી લોનનો હપ્તો ભરવામાં રાહત મળશે. રિઝર્વ બેન્કે આ પહેલાંની ધીરાણનીતિમાં લોકોને ત્રણ મહિના સુધી બેન્કના હપ્તા ભરવામાંથી રાહત આપી હતી જે રાહત 1 જૂને પૂરી થઈ રહી હતી. દરમિયાન આજે રિઝર્વ બેન્કના ગવર્નરે વધુ ત્રણ મહિનાની રાહત આપતાં હવે જૂન, જૂલાઈ અને ઓગસ્ટ મહિના દરમિયાન લોનધારકોને હપ્તો ભરવામાંથી રાહત મળશે.
આરબીઆઈના ગવર્નર શકિતકાંત દાસે આજે આ રાહતની જાહેરાત કરીને એવી ચિંતાજનક આગાહી પણ કરી છે કે જીડીપીનો વૃદ્ધિદર ઓછો રહેશે. વિશ્વભરમાં આર્થિક ગતિવિધિઓ રોકાયેલી છે. પ્રથમ ત્રિ-માસિક ગાળામાં વિકાસદર ઘટશે. ક્રૂડ ઓઈલના ઘટાડાથી ભારતીય અર્થવ્યવસ્થાને કોઈ ફાયદો થયો નથી. એમણે કહ્યું કે આજના પગલાંથી લોન સસ્તી થશે અને ઈએમઆઈમાં ઘટાડો થશે. એમણે ઉમેયુ કે લોકડાઉનને લીધે ખાધાન્ન સહિતની વસ્તુઓમાં વધારો થયો છે અને દાળમાં ભાવવધારો ચિંતાની બાબત છે છતાં મોંઘવારીદર કાબૂમાં રહેવાની આશા છે..