ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૪ જુલાઈ, ૨૦૨૧
બુધવાર
તાજેતરમાં રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (RBI)એ બુધવારે 'પેમેન્ટ સિસ્ટમ ડેટાના સ્ટોરેજ ડિરેક્શન'ના નિર્દેશોનું પાલન ન કરવા બદલ નવા ગ્રાહકોને તેના નેટવર્ક પર જોડવા પર પ્રતિબંધ લાદ્યો છે. RBIના પરિપત્રમાં જણાવ્યા મુજબ, માસ્ટરકાર્ડને આગામી ઑર્ડર સુધી 22 જુલાઈથી નવા ગ્રાહકોને તેના નેટવર્ક પર લાવવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આમાં ડેબિટ, ક્રેડિટ અને પ્રીપેઇડ આ ત્રણેય સર્વિસનો સમાવેશ થાય છે.
જોકે RBIએ કહ્યું હતું કે આ હુકમથી માસ્ટરકાર્ડના હાલના ગ્રાહકોને અસર થશે નહીં અને તેઓ સેવાઓનો ઉપયોગ ચાલુ રાખી શકે છે. RBIએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ઘણો સમય અને પૂરતી તકો આપવામાં આવી હોવા છતાંઆ સંસ્થા પેમેન્ટ સિસ્ટમ ડેટાના સ્ટોરેજ અંગેના નિર્દેશોનું પાલન ન કરતી હોવાનું માલૂમ પડ્યું છે,એથી આ પગલું લેવાયું છે.
ઉલ્લેખનીય છે કે એપ્રિલ મહિનામાં RBIએ અમેરિકન એક્સપ્રેસ બૅન્કિંગ કોર્પ અને ડાઇનર્સ ક્લબ ઇન્ટરનૅશનલ લિમિટેડને પેમેન્ટ સિસ્ટમ ડેટાના સ્ટોરેજ અંગેના નિર્દેશોનું પાલન ન થતું હોવાથી નવા ગ્રાહકોને સર્વિસમાં જોડવા પર પ્રતિબંધ મૂક્યો હતો.