PM Narendra Modi : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદમાં આપેલા ભાષણના મુખ્ય અંશ તેમજ મુદ્દાઓ અહીં વાંચો… તેમજ જુઓ વિડીયો…

PM Narendra Modi : પ્રધાનમંત્રીએ લોકસભામાં અવિશ્વાસની દરખાસ્તનો જવાબ આપ્યો

by Admin J
PM Modi will reach Bangalore directly from Greece, will meet ISRO scientists involved in Chandrayaan-3 mission

News Continuous Bureau | Mumbai 

PM Narendra Modi : પ્રધાનમંત્રીએ લોકસભામાં અવિશ્વાસની દરખાસ્તનો જવાબ આપ્યો

 • “હું વારંવાર સરકાર પર વિશ્વાસ વ્યક્ત કરવા બદલ ભારતના દરેકે દરેક નાગરિકનો અપાર આભાર વ્યક્ત કરવા આવ્યો છું.”

 • “ઘણા મુખ્ય વિધેયકો પર તેને લાયક ચર્ચા થઈ ન હતી કારણ કે વિપક્ષે રાજકારણને તેમનાથી ઉપર રાખ્યું હતું”

 • “21મી સદીનો આ સમયગાળો આગામી હજાર વર્ષ સુધી દેશને અસર કરશે. આપણે બધાએ એક જ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ”

 • “અમે ભારતના યુવાનોને કૌભાંડોથી મુક્ત સરકાર આપી છે”

 • “આજે ગરીબોનાં સપનાંઓને પૂરાં કરવા માટે ગરીબોનાં હૃદયમાં એક વિશ્વાસ ઊભો થયો છે”

 • “વિપક્ષ લોકોનો વિશ્વાસ જોઈ શકતો નથી કારણ કે તેઓ અવિશ્વાસમાં ડૂબી ગયા છે”

 • “વર્ષ 2028માં જ્યારે તમે અવિશ્વાસનો પ્રસ્તાવ લાવશો, ત્યારે દેશ ટોચના 3 દેશોમાં સામેલ હશે”

 • “વિપક્ષ નામ બદલવામાં માને છે પરંતુ તેઓ તેમની કાર્ય સંસ્કૃતિને બદલી શકતા નથી”
  “સ્વાતંત્ર્ય સેનાનીઓ અને દેશના સ્થાપક પિતાઓએ હંમેશાં વંશવાદનાં રાજકારણનો વિરોધ કર્યો”

 • “મહિલાઓ વિરુદ્ધના ગુનાઓ અસ્વીકાર્ય છે અને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દોષિતોને સજા થાય તે સુનિશ્ચિત કરવા માટે કામ કરશે”

 • “મણિપુરમાં શાંતિ સ્થપાશે અને તે વિકાસના પથ પર આગળ વધશે.”

 • “હું મણિપુરનાં લોકોને, મણિપુરની માતાઓ અને દીકરીઓને ખાતરી આપું છું કે દેશ તેમની સાથે છે અને આ ગૃહ તેમની સાથે છે”

 • “મણિપુર વિકાસના પાટા પર પાછું ફરે તે માટે સરકાર કોઈ કસર છોડશે નહીં”
  “આજનું ભારત દબાણ હેઠળ ભાંગી પડતું નથી. આજનું ભારત ઝૂકતું નથી, થાકતું નથી અને અટકતું નથી”

 • “અમારી સરકારે પૂર્વોત્તરના વિકાસને પ્રથમ અગ્રતા આપી છે”

 • “અમારા માટે સબકા સાથ સબકા વિશ્વાસ એક સૂત્ર નથી, પરંતુ વિશ્વાસનો લેખ છે, પ્રતિબદ્ધતા છે.”

 • “સંસદ એ કોઈ પક્ષ માટેનો મંચ નથી. સંસદ એ દેશની આદરણીય સર્વોચ્ચ સંસ્થા છે. અહીંની દરેક સેકન્ડનો ઉપયોગ દેશ માટે થવો જોઈએ”

  આ સમાચાર પણ વાંચો : Skin Care tips: જો તમે તહેવારોની સિઝનમાં સુંદર દેખાવા માંગતા હોવ તો આ ખાસ ટિપ્સ કરો ફોલો..

  પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે લોકસભામાં(Loksabha) અવિશ્વાસની દરખાસ્તનો જવાબ આપ્યો હતો.

  ગૃહને સંબોધન કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, તેઓ સરકારમાં વિશ્વાસ વારંવાર વ્યક્ત કરવા બદલ ભારતના દરેકે દરેક નાગરિકનો અપાર આભાર વ્યક્ત કરવા આવ્યા છે. તેમણે ટિપ્પણીને યાદ કરતા કહ્યું હતું કે આ સરકાર માટે ફ્લોર ટેસ્ટ નથી પરંતુ 2018માં જ્યારે વિપક્ષ(opposition) અવિશ્વાસ પ્રસ્તાવ લઈને આવ્યો હતો ત્યારે તેને ગૃહમાં રજૂ કરનારા લોકો માટે છે. “જ્યારે આપણે 2019માં ચૂંટણી માટે ગયા હતા, ત્યારે લોકોએ ખૂબ જ તાકાતથી તેમનામાં અવિશ્વાસની ઘોષણા કરી હતી,” એમ પ્રધાનમંત્રીએ કહીને એનડીએ અને ભાજપ બંનેએ વધુ બેઠકો જીતી હતી તેના પર ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રીએ એક રીતે કહ્યું કે, વિપક્ષે રજૂ કરેલો અવિશ્વાસનો પ્રસ્તાવ સરકાર માટે લકી છે. તેમણે વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો કે એનડીએ અને ભાજપ તમામ રેકોર્ડ તોડીને 2024માં જનતાના આશીર્વાદથી વિજયી થશે.

  પ્રધાનમંત્રીએ કહ્યું કે સત્રની શરૂઆતથી જ વિપક્ષે યોગ્ય ગંભીરતા સાથે ભાગ લીધો હોત તો વધુ સારું થાત. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે છેલ્લા કેટલાક દિવસોમાં મહત્વપૂર્ણ વિધેયકો પસાર કરવામાં આવ્યા હતા અને આ મુખ્ય કાયદાઓ કરતા રાજકારણને પ્રાધાન્ય આપનારા વિપક્ષો દ્વારા તેની ચર્ચા થવી જોઈતી હતી. “એવા ઘણા બિલો હતા જે માછીમારો, ડેટા, ગરીબ, વંચિત અને આદિવાસીઓ સાથે જોડાયેલા હતા, પરંતુ વિપક્ષને તેમાં કોઈ રસ નથી. આ લોકોની અપેક્ષાઓ સાથે વિશ્વાસઘાત હતો. તેમણે સાબિત કર્યું છે કે તેમના માટે પાર્ટી દેશથી ઉપર છે,” એમ તેમણે કહ્યું. પ્રધાનમંત્રીએ કહ્યું કે, દેશની નજર વિપક્ષ પર છે અને તેઓએ હંમેશા લોકોને નિરાશ કર્યા છે.  

  પ્રધાનમંત્રીએ ધ્યાન દોર્યું હતું કે, કોઈ પણ રાષ્ટ્રનાં જીવનમાં એક સમય એવો આવે છે, જ્યારે તે જૂનાં બંધનોમાંથી મુક્ત થઈને નવી ઊર્જા અને દ્રઢ નિશ્ચય સાથે આગળ વધે છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “21મી સદીનો આ સમયગાળો આપણી તમામ આકાંક્ષાઓ પૂર્ણ કરવાનો છે. આ સમયગાળા દરમિયાન જે પણ આકાર આપવામાં આવશે તે આગામી હજાર વર્ષ સુધી દેશને અસર કરશે. એટલે આપણી પાસે બહુ મોટી જવાબદારી છે અને આપણે એક જ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ – દેશનો વિકાસ અને દેશવાસીઓનાં સ્વપ્નો સાકાર કરવા માટે સંપૂર્ણ સમર્પણ,” એમ તેમણે ભાર મૂક્યો. તેમણે કહ્યું હતું કે, આપણાં લોકો અને યુવાનોની તાકાત આપણને આપણી મંજિલ સુધી લઈ જઈ શકે છે.

  તેમણે આગળ કહ્યું કે, 2014માં અને બાદમાં ટ્રેક રેકોર્ડને કારણે દેશે પૂર્ણ બહુમતવાળી સરકાર પસંદ કરી, કારણ કે તેઓ જાણતા હતા કે તેમનાં સપનાઓને સાકાર કરવાની ક્ષમતા ક્યાં રહેલી છે. “અમે ભારતના યુવાનોને કૌભાંડોથી મુક્ત સરકાર આપી છે. અમે તેમને હિંમત અને ખુલ્લા આકાશમાં ઉડવાની તક આપી છે. અમે દુનિયામાં ભારતની સ્થિતિ સુધારી છે અને તેમને નવી ઊંચાઈએ લઈ ગયા છીએ,” એમ તેમણે ભારપૂર્વક કહ્યું. તેમણે કહ્યું હતું કે, “વિપક્ષે અવિશ્વાસ પ્રસ્તાવની આડમાં લોકોનો વિશ્વાસ તોડવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો છે.” શ્રી મોદીએ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં વૃદ્ધિ, વિક્રમજનક વિદેશી રોકાણ અને નિકાસની નવી ટોચનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે, “આજે ગરીબોનાં સ્વપ્નો પૂર્ણ કરવા માટે તેમનાં હૃદયમાં વિશ્વાસ ઊભો થયો છે.” તેમણે 13.5 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવવા અંગેના નીતિ અહેવાલ વિશે પણ વાત કરી હતી.

  પ્રધાનમંત્રીએ આઇએમએફના કાર્યકારી પેપરનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં જણાવવામાં આવ્યું હતું કે, ભારતે અતિ ગરીબીને લગભગ નાબૂદ કરી દીધી છે. આઇએમએફને ટાંકીને પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતીય ડીબીટી યોજના અને અન્ય સામાજિક કલ્યાણકારક યોજનાઓ ‘લોજિસ્ટિક અજાયબી’ છે. તેમણે ડબ્લ્યુએચઓને પણ ટાંક્યું હતું જેમાં જણાવાયું છે કે જલ જીવન મિશન દેશમાં 4 લાખ લોકોના જીવ બચાવવામાં મદદ કરી રહ્યું છે અને સ્વચ્છ ભારત અભિયાન 3 લાખ લોકોના જીવ બચાવવામાં મદદ કરી રહ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, “આ દેશનાં ગરીબ લોકો છે, જેઓ શહેરી ઝૂંપડપટ્ટીમાં રહે છે.” સ્વચ્છ ભારત અભિયાન અંગે યુનિસેફને ટાંકીને પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, તેનાથી દેશના ગરીબ પરિવારોને દર વર્ષે રૂ.50,000ની બચત કરવામાં મદદ મળી રહી છે.

  આ સમાચાર પણ વાંચો :  Adhir Ranjan Chowdhury : અધીર રંજન ચૌધરી લોકસભામાંથી સસ્પેન્ડ, મામલો વિશેષાધિકાર સમિતિને મોકલવામાં આવ્યો, જાણો શું છે કારણ..

  વિપક્ષના શાહમૃગ અભિગમની ટીકા કરતાં પ્રધાનમંત્રી કહ્યું હતું કે તેઓ લોકોનો વિશ્વાસ જોઈ શકતા નથી કારણ કે તેઓ અવિશ્વાસમાં ડૂબી ગયા છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, વિપક્ષની ખરાબ ભાષા અને સતત બિનમહત્વની ત્રુટિ શોધવાનું ‘કાલા ટીકા’ (ખરાબ શુકનથી બચવા) જેવું કામ કરે છે.

  પ્રધાનમંત્રીએ કહ્યું કે વિપક્ષની ટીકાની તમામ લક્ષ્ય સંસ્થાઓ હંમેશાં ચમકે છે અને તેને ‘વિપક્ષનું ગુપ્ત વરદાન’ કહ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, “તેઓ જેની પણ ખરાબ ઇચ્છા રાખે છે, તે સારું કરે છે.”

  પ્રધાનમંત્રીએ બૅન્કિંગ ક્ષેત્રનાં વિકાસ પ્રત્યે વિપક્ષનાં વલણને યાદ કર્યું હતું અને કહ્યું હતું કે, તેમણે ખોટી માહિતી ફેલાવવાનો અને લોકોને મૂઝવણમાં મૂકવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો હતો. જો કે, પ્રધાનમંત્રીએ ઉદ્‌ગાર કર્યો, જાહેર ક્ષેત્રની બૅન્કોનો ચોખ્ખો નફો બે ગણો વધ્યો. તેમણે ફોન બૅન્કિંગ કૌભાંડનો પણ ઉલ્લેખ કર્યો જેણે દેશને એનપીએ સંકટ તરફ ધકેલી દીધો અને કહ્યું કે દેશ આમાંથી પોતાને પુનર્જીવિત કરી ચૂક્યો છે અને હવે આગળ વધી રહ્યો છે. શ્રી મોદીએ એચએએલનું ઉદાહરણ પણ આપ્યું હતું, જેના પર વિપક્ષે આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, એચએએલ સફળતાની નવી ઊંચાઈઓને સ્પર્શે છે અને તેણે અત્યાર સુધીની સૌથી વધુ આવક નોંધાવી છે. એલઆઇસી વિશે વિપક્ષે જે ખરાબ વાતો કરી છે, તેના પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, એલઆઇસી દરેક પસાર થતા દિવસ સાથે વધુને વધુ મજબૂત બની રહી છે.

  “વિપક્ષ દેશની ક્ષમતાઓ અને સમર્પણમાં વિશ્વાસ ધરાવતો નથી,” એમ કહેતા પ્રધાનમંત્રીએ કહ્યું યાદ કર્યું કે તેમણે થોડાં દિવસો અગાઉ એમ કહ્યું હતું કે, ભારત તેમના ત્રીજા કાર્યકાળમાં દુનિયાનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બની જશે. એક જવાબદાર વિપક્ષ તરીકે, પ્રધાનમંત્રીએ કહ્યું કે, તેમણે આ લક્ષ્યને હાંસલ કરવા માટે પોતાના રોડમેપ પર સરકારને સવાલ ઉઠાવવો જોઈતો હતો અથવા કઈ નહીં તો સૂચનો આપવાં જોઈતા હતાં પરંતુ એવું નહોતું. તેમણે વિપક્ષની શિથિલતાને ગણાવી હતી જે દાવો કરે છે કે વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા માટે કંઇ કરવાની જરૂર નથી. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, વિપક્ષનો આ પ્રકારનો અભિગમ નીતિઓ, ઇરાદાઓ, વિઝન, વૈશ્વિક અર્થશાસ્ત્રની જાણકારી અને ભારતની ક્ષમતાઓની સમજણનો અભાવ સૂચવે છે. 

  પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, કેવી રીતે ભારત ગરીબીમાં ડૂબી ગયું હતું અને વર્ષ 1991માં નાદારીની અણી પર હતું. જો કે 2014 બાદ ભારતને વિશ્વની ટોપ 5 અર્થવ્યવસ્થામાં સ્થાન મળ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ‘રિફોર્મ, પર્ફોર્મ એન્ડ ટ્રાન્સફોર્મ’ના મંત્ર મારફતે ચોક્કસ આયોજન અને આકરી મહેનત સાથે આ લક્ષ્યાંક હાંસલ કરવામાં આવ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, આ પ્રક્રિયા ચાલુ રહેશે અને જરૂરી સુધારા કરવામાં આવશે. તેમણે ગૃહને જણાવ્યું હતું કે, “2028માં જ્યારે તમે અવિશ્વાસનો પ્રસ્તાવ લાવશો, ત્યારે દેશ ટોચના 3 દેશોમાં સામેલ હશે.”

  વિપક્ષોના અવિશ્વાસના અભિગમ અંગે આગળ વધતા પ્રધાનમંત્રીએ સ્વચ્છ ભારત, જન ધન ખાતાં, યોગ, આયુર્વેદ, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયા(India) જેવાં અભિયાનોમાં વિશ્વાસના અભાવ વિશે વાત કરી હતી.  

  પ્રધાનમંત્રીએ કૉંગ્રેસનાં શાસન દરમિયાન કાશ્મીરમાં આતંકવાદીઓની ઘૂસણખોરી પર પ્રકાશ પાડ્યો હતો અને તત્કાલીન સરકાર પાકિસ્તાન સાથે સંમત થશે અને સાથે સાથે શાંતિ મંત્રણા ચાલુ રાખશે. તેમણે કાશ્મીરી જનતાને બદલે હુર્રિયત સાથેનાં તેનાં જોડાણ પર પણ વાત કરી. સર્જિકલ સ્ટ્રાઇક વિશે બોલતા પ્રધાનમંત્રીએ ઉલ્લેખ કર્યો હતો કે, વિપક્ષે આ મુદ્દે સરકાર પર વિશ્વાસ મૂકવાને બદલે શત્રુએ રચેલી કથામાં વિશ્વાસ કરવાનું કેવી રીતે પસંદ કર્યું હતું.

  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “જે લોકો દેશ વિશે ખરાબ બોલે છે, તેમના પર વિશ્વાસ કરવા માટે વિપક્ષ ઝડપી છે.” અને એક વિદેશી એજન્સીના ખોટી માહિતીવાળા અહેવાલનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં ખાદ્ય અસુરક્ષા સાથે કામ કરતા રાષ્ટ્રને ચોક્કસ માપદંડોમાં ભારત કરતા આગળ દર્શાવવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે વિપક્ષ આવા ખોટી માહિતીવાળા અહેવાલો પર ધ્યાન આપે છે અને દરેક તક મળે ત્યારે દેશને બદનામ કરવાનો પ્રયાસ કરે છે. તેમણે મેડ ઇન ઇન્ડિયા કોરોના રસીનું ઉદાહરણ પણ આપ્યું હતું અને કહ્યું હતું કે વિપક્ષને તેના પર વિશ્વાસ નથી પરંતુ તેના બદલે વિદેશી બનાવટની રસીઓ તરફ ધ્યાન આપ્યું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે વિપક્ષને ભારત અને તેના લોકોની ક્ષમતાઓ પર વિશ્વાસ નથી અને તે જ રીતે, લોકોની નજરમાં વિપક્ષ માટે વિશ્વાસનું સ્તર ખૂબ જ નીચલાં સ્તરે છે. 

  પ્રધાનમંત્રીએ એમ પણ કહ્યું હતું કે ગઠબંધનની ઇમારતના કોસ્મેટિક ફેરફારો દેશની જનતાને મૂર્ખ બનાવી શકતા નથી અને નામ બદલવાથી વિપક્ષી જોડાણનું ભાગ્ય બદલાશે નહીં. “તેઓએ ટકી રહેવા માટે એનડીએની મદદ લીધી છે, પરંતુ બે ‘આઇ’ ઘમંડના, પ્રથમ 26 પક્ષોના અહંકાર માટે અને બીજો ‘આઇ’ એક પરિવારના અહંકાર માટે. તેમણે ભારતને આઈ.એન.ડી.આઈ.એ.માં પણ વિભાજિત કરી નાખ્યું.” તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, “વિરોધ પક્ષ નામ બદલવામાં માને છે, પરંતુ તેઓ તેમની કાર્ય સંસ્કૃતિને બદલી શકતા નથી.”

  તમિલનાડુ સરકારના એક મંત્રીની વિભાજનકારી ટિપ્પણીનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ રાજ્યમાં પોતાના વિશ્વાસનો પુનરોચ્ચાર કર્યો હતો અને કહ્યું હતું કે, તમિલનાડુ એક એવું રાજ્ય છે, જ્યાં દેશભક્તિનો પ્રવાહ સતત વહેતો રહે છે. પ્રધાનમંત્રીએ નામો સાથેનાં વિપક્ષનાં આકર્ષણ પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને ઉલ્લેખ કર્યો કે કેવી રીતે દરેક યોજના અને કી માર્કરને એક પરિવારનાં સભ્યોનાં નામ પર રાખવામાં આવ્યા છે. પ્રધાનમંત્રીએ આઈ.એન.ડી.આઈ.એ.ને એક ‘ઘમંડિયા’ ગઠબંધન (ઘમંડી ગઠબંધન) તરીકે ઓળખાવ્યું હતું અને ભાગીદારો વચ્ચેના વિરોધાભાસ પર ભાર મૂક્યો હતો.

  શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, દેશના સ્વતંત્રતા સેનાનીઓ અને સ્થાપક જનકોએ હંમેશા વંશવાદની રાજનીતિનો વિરોધ કર્યો.  રાજવંશ પ્રથા સામાન્ય નાગરિકને નુકસાન પહોંચાડે છે. તેમણે કહ્યું હતું કે, વંશવાદનાં રાજકારણને કારણે મુખ્ય નેતાઓને નુકસાન વેઠવું પડ્યું હતું. તેમણે કહ્યું કે આ પ્રકારનાં રાજકારણનો ભોગ બનેલા દિગ્ગજોનાં ઘણાં ચિત્રોને બિન-કૉંગ્રેસી સરકારોનાં પછીનાં વર્ષોમાં જ સંસદમાં સ્થાન મળ્યું છે. તેમણે સ્ટેચ્યૂ ઑફ યુનિટી અને પ્રધાનમંત્રી સંગ્રાહલયનો પણ ઉલ્લેખ કર્યો હતો. આ સંગ્રહાલય તમામ પ્રધાનમંત્રીઓને સમર્પિત છે અને તે પક્ષીય રાજકારણથી ઉપર છે.

  પ્રધાનમંત્રીએ પુનરોચ્ચાર કર્યો હતો કે, ભારતની જનતાએ 30 વર્ષ પછી બે વખત પૂર્ણ બહુમતીવાળી સરકાર ચૂંટી હોવા છતાં, પ્રધાનમંત્રીની ખુરશી પર બેઠેલા ‘ગરીબ કા બેટા’થી વિપક્ષો વ્યથિત છે. તેમણે ધ્યાન દોર્યું હતું કે વિપક્ષો દ્વારા ભૂતકાળમાં એરક્રાફ્ટ અને નૌકાદળનાં જહાજોનો દુરુપયોગ હવે સુધારીને રસીનાં પરિવહન માટે અને વિદેશી જમીનોમાં ફસાયેલા લોકોને પાછા લાવવા માટે થયો છે.

  પ્રધાનમંત્રીએ મફત રેવડીનાં(Revdi) રાજકારણ(politics) સામે ચેતવણી આપી હતી અને પડોશી દેશોની પરિસ્થિતિને ટાંકીને આવું રાજકારણ કેવો વિનાશ લાવી શકે એ ગણાવ્યું હતું. તેમણે અવિચારી ખાતરીઓ દ્વારા ચૂંટણી જીતવાનાં વલણ અંગે દુ:ખ વ્યક્ત કર્યું હતું અને વિકાસ પ્રોજેક્ટ્સને અભરાઈએ ચડાવી દેવામાં આવી રહ્યા હોવાથી લોકોને ભારે દબાણ હેઠળ મૂકવામાં આવી રહ્યા છે.

  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, વિપક્ષને ક્યારેય મણિપુરની સ્થિતિ પર ચર્ચા કરવામાં રસ નહોતો. તેમણે કહ્યું કે ગૃહ મંત્રીએ ધૈર્યથી અને કોઈ પણ રાજકારણ વિના મુદ્દાઓને ખૂબ જ વિગતવાર સમજાવ્યા. ગૃહ મંત્રીનો ખુલાસો દેશ અને રાષ્ટ્રની ચિંતા પહોંચાડવાનો પ્રયાસ હતો, આ ગૃહનો વિશ્વાસ મણિપુર સુધી પહોંચાડવાનો પ્રયાસ હતો. ચર્ચા કરવાનો અને માર્ગો શોધવાનો આ એક પ્રામાણિક પ્રયાસ હતો.

  મણિપુર મુદ્દા પર બોલતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, મણિપુરમાં હિંસાનું દુઃખ છે. “મહિલાઓ સામેના ગુનાઓ અસ્વીકાર્ય છે અને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દોષિતોને સજા થાય તે સુનિશ્ચિત કરવા માટે કામ કરશે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, અમે જે પ્રયાસ કરી રહ્યા છીએ, તેના આધારે હું ભારતની જનતાને ખાતરી આપું છું કે, આગામી સમયમાં મણિપુરમાં શાંતિ સ્થપાશે.” તેમણે મણિપુરનાં લોકો, મણિપુરની માતાઓ અને દીકરીઓને ખાતરી આપી હતી કે, દેશ તેમની સાથે છે અને આ ગૃહ તેમની સાથે છે. તેમણે એવી ખાતરી પણ આપી હતી કે, મણિપુર ફરીથી વિકાસના માર્ગે અગ્રેસર થાય એ માટે સરકાર કોઈ કસર છોડશે નહીં. 

  પ્રધાનમંત્રીએ ગૃહમાં મા ભારતી માટે વાંધાજનક ભાષાના ઉપયોગ સામે સખત વિરોધ નોંધાવ્યો હતો અને કહ્યું હતું કે આ ભાગલા માટે જવાબદાર લોકો છે અને જેમણે વંદે માતરમ્‌ની નિંદા પણ કરી હતી. શ્રી મોદીએ કચ્છથીવુ મુદ્દાનો ઉલ્લેખ પણ વિપક્ષની નિષ્ફળતાનું ઉદાહરણ તરીકે કર્યો હતો.

  પ્રધાનમંત્રીએ પૂર્વોત્તર સાથે સંબંધિત ત્રણ ઘટનાઓનો ઉલ્લેખ કર્યો હતો. પ્રથમ, 5 માર્ચ 1966 ના રોજ, જ્યારે એરફોર્સનો ઉપયોગ મિઝોરમમાં લોકો પર હુમલો કરવા માટે કરવામાં આવ્યો હતો. બીજું, 1962માં તત્કાલીન પ્રધાનમંત્રી નહેરુ દ્વારા રેડિયો પ્રસારણ, જ્યારે પૂર્વોત્તરનાં લોકોને ચીનના આક્રમણ દરમિયાન બચાવ માટે એમને એમ છોડી દેવાયાં હતાં. તેમણે આ ક્ષેત્રની ઉપેક્ષા અંગે રામ મનોહર લોહિયાના આક્ષેપને પણ ટાંક્યા હતા. પ્રધાનમંત્રીએ જાણકારી આપી હતી કે, વર્તમાન સરકારમાં મંત્રીઓએ પૂર્વોત્તરનાં વિવિધ જિલ્લા મથકોમાં 400 રાત્રિ રોકાણ કર્યું છે અને પ્રધાનમંત્રીએ પોતે 50 વખત મુલાકાત લીધી છે. “મને પૂર્વોત્તર સાથે ભાવનાત્મક જોડાણ છે. પ્રધાનમંત્રી બનતા અગાઉ પણ મેં સમગ્ર વિસ્તારની મુલાકાત લીધી છે,” એમ શ્રી મોદીએ કહ્યું.

  પ્રધાનમંત્રીએ પુનરોચ્ચાર કર્યો હતો કે, મણિપુરની સ્થિતિને એવી રીતે પ્રસ્તુત કરવામાં આવી રહી છે કે, તાજેતરમાં જ આ સંઘર્ષ ઊભો થયો હતો, પણ મણિપુરમાં તમામ મુદ્દાઓનું મૂળ કારણ કૉંગ્રેસ અને તેનું રાજકારણ છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “મણિપુર સમૃદ્ધ ભારતીય સંસ્કૃતિ અને વારસાથી ભરેલું છે. મણિપુર અસંખ્ય બલિદાનોની ભૂમિ છે.” તેમણે રાજ્યમાં કોંગ્રેસની સરકારના એ સમયને યાદ કર્યો જ્યારે દરેક સંસ્થા કટ્ટરપંથી સંગઠનોના ઈશારે કામ કરતી હતી અને સરકારી કચેરીઓમાં મહાત્મા ગાંધીની તસવીર લગાવવાની મનાઈ હતી. તેમણે મોઈરાંગમાં આઝાદ હિંદ ફૌજનાં સંગ્રહાલયમાં નેતાજી સુભાષચંદ્ર બોઝની પ્રતિમા પર બૉમ્બ ધડાકાનો પણ ઉલ્લેખ કર્યો હતો. મણિપુરની શાળાઓમાં રાષ્ટ્રગીત ગાવાની મનાઈ હતી ત્યારે તેમણે વધુમાં યાદ કર્યું હતું અને પુસ્તકાલયોમાંથી પુસ્તકો બાળવા માટે એક ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી.

  પ્રધાનમંત્રીએ કૉંગ્રેસનાં શાસન દરમિયાન આ પ્રદેશમાં ઉગ્રવાદી પ્રવૃત્તિઓનાં કેટલાક ઉદાહરણો આપ્યાં હતાં અને સાંજે 4 વાગ્યે તેમના દરવાજા બંધ કરી દેતાં મંદિરોનો ઉલ્લેખ કર્યો હતો, ઇમ્ફાલમાં ઇસ્કોન મંદિર પર બૉમ્બ ધડાકા થયા, જેમાં જાનહાની થઈ હતી, અને સરકારી અધિકારીઓ દ્વારા ઉગ્રવાદીઓને ચૂકવવામાં આવતા પ્રોટેક્શન મનીનો ઉલ્લેખ કર્યો હતો.

  પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં પૂર્વોત્તર વિકાસનું કેન્દ્ર બનશે. તેમણે કહ્યું હતું કે, તેઓ એ હકીકતથી વાકેફ છે કે, વૈશ્વિક વ્યવસ્થામાં થયેલી હિલચાલથી દક્ષિણ-પૂર્વ એશિયા અને આસિયાન દેશોમાં પરિવર્તન આવશે તથા પૂર્વોત્તર પર તેની શું અસર થશે. આ જ કારણ છે કે, પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “અમારી સરકારે પૂર્વોત્તરના વિકાસને પ્રથમ પ્રાથમિકતા આપી છે.” શ્રી મોદીએ પૂર્વોત્તરમાં માળખાગત સુવિધામાં રોકાણ વિશે વાત કરી હતી અને ઉલ્લેખ કર્યો હતો કે, આધુનિક ધોરીમાર્ગો, રેલવે અને એરપોર્ટ કેવી રીતે ઉત્તરપૂર્વની ઓળખ બની રહ્યાં છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “અગરતલા પહેલી વાર રેલવે કનેક્ટિવિટી સાથે જોડાયું, માલગાડી પહેલીવાર મણિપુર પહોંચી, પહેલી વાર વંદે ભારત જેવી આધુનિક ટ્રેન આ વિસ્તારમાં દોડી, અરુણાચલ પ્રદેશમાં પ્રથમ વખત ગ્રીનફિલ્ડ એરપોર્ટનું નિર્માણ થયું, સિક્કિમ હવાઈ મુસાફરી સાથે જોડાયું, પૂર્વોત્તરમાં પહેલી વાર એઈમ્સ ખુલી, મણિપુરમાં નેશનલ સ્પોર્ટ્સ યુનિવર્સિટી અને મિઝોરમમાં ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ માસ કોમ્યુનિકેશન પહેલી વાર પૂર્વોત્તરમાં ખોલવામાં આવી રહી છે. મંત્રીપરિષદમાં ભાગીદારીમાં વધારો થયો અને પહેલી વાર કોઈ મહિલાએ રાજ્યસભામાં નાગાલેન્ડનું પ્રતિનિધિત્વ કર્યું. પ્રથમ વખત પૂર્વોત્તરના ઘણા લોકોને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા અને પ્રજાસત્તાક દિને લાચિત બર્ફૂકન જેવા નાયકની ઉજવણી કરવામાં આવી હતી અને રાની ગાઈદિન્લ્યુનાં નામ સાથે એક સંગ્રહાલયની સ્થાપના કરવામાં આવી હતી.”

  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “અમારા માટે સબકા સાથ સબકા વિશ્વાસ સૂત્ર નથી, પરંતુ તે આસ્થાનો લેખ છે, પ્રતિબદ્ધતા છે.” પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, “હું દેશના લોકોને ખાતરી આપું છું કે હું શરીરના દરેક કણ અને દરેક ક્ષણને દેશવાસીઓની સેવામાં સમર્પિત કરીશ.”

  પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, “સંસદ કોઈ પક્ષ માટેનો મંચ નથી. સંસદ એ દેશની આદરણીય સર્વોચ્ચ સંસ્થા છે. તેથી, સંસદસભ્યોને આ માટે કેટલીક ગંભીરતા હોય તે જરૂરી છે. અહીં ઘણા બધા સંસાધનો સમર્પિત કરવામાં આવી રહ્યાં છે. અહીંની દરેક સેકન્ડનો ઉપયોગ દેશ માટે થવો જોઈએ.” તેમણે ઉમેર્યું હતું કે, ગંભીરતાના અભાવે કોઇ રાજનીતિ કરી શકે છે પરંતુ દેશ ચલાવી શકાતો નથી.

  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, છેલ્લાં 9 વર્ષમાં સામાન્ય નાગરિકોનો વિશ્વાસ નવી ઊંચાઈએ પહોંચ્યો છે અને દરેક ભારતીય આત્મવિશ્વાસથી ભરેલો છે. “આજનું ભારત દબાણ હેઠળ ભાંગી પડતું નથી. આજનું ભારત ઝૂકતું નથી, થાકતું નથી અને અટકતું પણ નથી.” તેમણે નાગરિકોને વિશ્વાસ અને સંકલ્પ સાથે આગળ વધવાની અપીલ કરી હતી અને કહ્યું હતું કે, સામાન્ય લોકોનો વિશ્વાસ જ દુનિયાને ભારતમાં વિશ્વાસ રાખવા માટે પ્રેરિત કરે છે. તેમણે ભારતમાં વિશ્વના વધતા જતા વિશ્વાસનો શ્રેય સામાન્ય નાગરિકોમાં વધેલા વિશ્વાસને આપ્યો હતો.

  છેલ્લાં થોડાં વર્ષોમાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સરકાર વિકસિત ભારતનો મજબૂત પાયો નાંખવામાં સફળ રહી છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, આ જ ફાઉન્ડેશન છે, જે વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનવા તરફ દોરી જશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, દેશ એક સાથે વધુ ખરાબ પરિસ્થિતિઓમાંથી બહાર આવ્યો છે અને રાજકીય પક્ષોને મણિપુરની જમીનનો ક્ષુલ્લક રાજકારણ માટે દુરુપયોગ ન કરવા વિનંતી કરી હતી. “આપણે પીડા અને દુ:ખ  સાથે સહાનુભૂતિ રાખવી જોઈએ અને પુન:પ્રાપ્તિ માટે આપણા શ્રેષ્ઠ પ્રયાસો કરવા જોઈએ. આ જ આગળ વધવાનો માર્ગ છે,” એવી અપીલ તેમણે કરી.

   

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More