ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 26 જાન્યુઆરી 2022
બુધવાર.
પ્રજાસત્તાક દિન અથવા ગણતંત્ર દિવસ, ૨૬ જાન્યુઆરી, ભારતનો રાષ્ટ્રીય તહેવાર છે. ભારત આ વર્ષે તેનો 73મો પ્રજાસત્તાક દિવસ ઉજવી રહ્યું છે. આ દિવસે ભારત સરકાર અધિનિયમ 1935 ને હટાવી ભારતનું બંધારણ લાગુ કરવામાં આવ્યું હતું. જેની યાદ સ્વરૂપે આ૫ણે દર વર્ષે ભારતનો ગણતંત્ર દિવસ ખૂબ જ ઉત્સાહ પૂર્વક ઉજવીએ છીએ.
ભારત 15 ઑગસ્ટ 1947ના રોજ સ્વતંત્ર થયું અને 26 જાન્યુઆરી, 1950ના રોજ તેના બંધારણનો અમલ શરૂ થયો, જે હેઠળ ભારતને એક લોકતાંત્રિક, સાર્વભૌમ અને પ્રજાસત્તાક દેશ જાહેર કરાયો. તે માટે દર વર્ષે 26 જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદે 26 જાન્યુઆરી, 1950ના રોજ 21 તોપોની સલામી સાથે ધ્વજારોહણ કરીને ભારતને પૂર્ણ ગણતંત્ર ઘોષિત કર્યું હતું. ત્યારબાદ દર વર્ષે આ દિવસને પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે સમગ્ર દેશમાં રજા હોય છે.
આ દિવસનું મહત્વ સિદ્ધ કરવાના ઉદ્દેશ્યથી દર વર્ષે નવી દિલ્હીમાં એક મહા સરઘસ (પરેડ)નું આયોજન કરવામાં આવે છે. તેની શરૂઆત દિલ્હીના રાજપથથી શરૂ થાય છે અને ઇન્ડિયા ગેટ સુધી જાય છે. આ વર્ષે, પરેડમાં વિવિધ રાજ્યો, વિભાગો અને સશસ્ત્ર દળોની 16 લશ્કરી ટીમો, 17 લશ્કરી બેન્ડ અને 25 ઝાંખીઓનો સમાવેશ થાય છે. આ દિવસે રાષ્ટ્રપતિ રાજપથ પર ધ્વજ ફરકાવે છે.
આ કાર્યક્રમમાં ભારતીય સેના, ભારતીય નૌકાદળ અને ભારતીય વાયુસેના દ્વારા ભારતના સાંસ્કૃતિક અને સામાજિક વારસાને દર્શાવવામાં આવે છે. આ સાથે રાજપથ પર વિવિધ રાજ્યોની ઝાંખીઓ બહાર આવે છે, જે તેમના રાજ્યોની સંસ્કૃતિ દર્શાવે છે. આ પરેડ નું જીવંત પ્રસારણ દૂરદર્શન અને આકાશવાણી પરથી કરવામાં આવે છે. રાષ્ટ્રીય બહાદૂરી ચંદ્રક મેળવનાર બાળકો પણ આ સરઘસનો એક ભાગ હોય છે. તેમને હાથી પર અંબાડીમાં બેસાડવામાં આવે છે. પ્રાદેશિક ઝાંકી (જુદા જુદા પ્રદેશની સાંસ્કૃતિક ઓળખ આપતી ઝલક) સિવાય અન્ય દેખાવ પણ બતાવાય છે. અંતમાં ભારતીય વાયુસેનાના શક્તિ પ્રદર્શનથી આ સરઘસ પૂર્ણ થાય છે.