News Continuous Bureau | Mumbai
Rishikesh Train Accident। ઉત્તરાખંડના ઋષિકેશમાંથી એક મોટા રેલવે અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે. અહીં યોગ નગરી ઋષિકેશ રેલવે સ્ટેશન નજીક આવેલા ખંડ ગામ વિસ્તારમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે, જેમાં ઉજ્જૈન એક્સપ્રેસ ટ્રેનના ત્રણ ડબ્બા અચાનક પાટા પરથી નીચે ઉતરી ગયા હતા. આ ઘટના સોમવારે રાત્રે અંદાજે સાડા નવ વાગ્યાની આસપાસ બની હોવાનું કહેવાય છે. સદનસીબે અકસ્માત સમયે ટ્રેનની અંદર કોઈ પણ મુસાફર સવાર નહોતો, જેના કારણે એક બહુ મોટી જાનહાનિ ટળી ગઈ છે. દેશમાં છેલ્લા કેટલાક દિવસોથી રેલવે અકસ્માતોની હારમાળા સતત જોવા મળી રહી છે, જેનાથી રેલવે પ્રશાસન સામે સવાલો ઉભા થયા છે.
મેન્ટેનન્સ દરમિયાન બ્રેક ફેલ થઈ જતાં ટ્રેન પાટા પરથી ઉતરી
રેલવે તંત્ર દ્વારા કરવામાં આવેલી પ્રારંભિક તપાસમાં બહાર આવ્યું છે કે, સ્ટેશન નજીક જ્યારે ટ્રેનનું નિયમિત વેરિફિકેશન અને મેન્ટેનન્સ એટલે કે રખરખાવનું કામ ચાલી રહ્યું હતું, ત્યારે અચાનક ટ્રેનની બ્રેક ફેલ થઈ ગઈ હતી. બ્રેક કામ ન કરવાને કારણે ટ્રેન નિયંત્રણ બહાર થઈ ગઈ હતી અને તેના ત્રણ ડબ્બા પાટા પરથી નીચે ઉતરી ગયા હતા. અકસ્માત બાદ રેલવે પટરીઓ આસપાસ લોકોની ભારે ભીડ જમા થઈ ગઈ હતી. ઘટનાની ગંભીરતાને જોઈને સરકારી રેલવે પોલીસ એટલે કે જીઆરપીના જવાનોએ તાત્કાલિક મોરચો સંભાળી લીધો હતો અને ભીડને ઘટનાસ્થળેથી દૂર ખસેડી હતી.
મોડા પહોંચેલા ઉચ્ચ અધિકારીઓ સામે સ્થાનિકોનો ભારે આક્રોશ
આ અકસ્માત બાદ રેલવે પ્રશાસનની કામગીરી અને સુરક્ષા ઉપાયો પર ગંભીર સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. સ્થાનિક લોકો અને પ્રત્યક્ષદર્શીઓનો આક્ષેપ છે કે આટલો મોટો અકસ્માત થયો હોવા છતાં રેલવેના વરિષ્ઠ અધિકારીઓ અંદાજે અઢી કલાક સુધી ઘટનાસ્થળે પહોંચ્યા નહોતા. અધિકારીઓની આ આળસુ નીતિ સામે લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. હાલમાં રેલવે વિભાગના ટેકનિકલ સ્ટાફ દ્વારા આખા મામલાની ઝીણવટભરી તપાસ શરૂ કરી દેવામાં આવી છે અને પાટા પરથી ઉતરેલા ડબ્બાઓને ક્રેનની મદદથી હટાવવાની કામગીરી મોડી રાત સુધી ચાલી હતી.
સાસારામ અને રતલામમાં પણ ટ્રેન અકસ્માતોથી ફફડાટ
નોંધનીય છે કે ઉજ્જૈન એક્સપ્રેસની આ દુર્ઘટના પહેલા સોમવારે સવારે જ બિહારના સાસારામ રેલવે સ્ટેશન પર પટના જતી એક પેસેન્જર ટ્રેનમાં અચાનક ભયાનક આગ ફાટી નીકળી હતી, જેના કારણે પ્લેટફોર્મ પર ભારે અફરાતફરી મચી ગઈ હતી. આ સિવાય રવિવારે મધ્ય પ્રદેશના રતલામ જિલ્લાના આલોટ સ્ટેશન નજીક તિરુવનંતપુરમથી હઝરત નિઝામુદ્દીન જઈ રહેલી રાજધાની એક્સપ્રેસના એક એસી કોચમાં પણ અચાનક આગ લાગી ગઈ હતી. જે કોચમાં આગ લાગી તેમાં અંદાજે ૬૮ મુસાફરો સવાર હતા. જો કે, આ બંને આગની ઘટનાઓમાં પણ સદનસીબે કોઈ મુસાફરને ઈજા થઈ નહોતી, પરંતુ લગાતાર થતા અકસ્માતોથી મુસાફરોની સુરક્ષા પર મોટો ખતરો ઉભો થયો છે.
👉 આ સમાચાર વાચો:
Petrol Diesel Price Hike। ઇંધણના ભાવમાં સતત વધારાથી પ્રજા ત્રાહિમામ! એક જ અઠવાડિયામાં બીજી વાર પેટ્રોલડીઝલ મોંઘા થતા જનતામાં રોષ