ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
30 સપ્ટેમ્બર 2020
એક બાજુ લદાખ સરહદે ભારતીય જવાનો જીવ દાવ પર લગાવી ચીન સામે લડી રહ્યા છે. બીજી બાજુ પાકિસ્તાન રાતદિવસ છમકલાં કરતું રહેતું હોય છે. આવી પરિસ્થિતીમાં રક્ષા મંત્રાલયના એક અહેવાલે ઓર્ડિનન્સ ફેક્ટરી બોર્ડની પોલ ઉઘાડી પાડી દીધી છે. છેલ્લા છ વર્ષમાં સરકારી ઓર્ડિનન્સ ફેક્ટરી બોર્ડ પાસેથી 960 કરોડ રૂપિયાના ખરાબ દારૂગોળા ને કારણે 2014 થી 2020 ના છ વર્ષમાં 403 દુર્ઘટના ઘટી છે. તેમાં 24 જવાનોના મોત થયા છે અને 131 જવાન ઘાયલ થયા છે. આમ સરેરાશ દર અઠવાડિયે એક દુર્ઘટના બની છે. દર વર્ષે સરેરાશ 111 જવાન સરહદે શહીદ થાય છે. પરંતુ, છેલ્લા છ વર્ષમાં 26 જવાને પોતાની આર્મીના ખરાબ દારૂગોળા ને કારણે જીવ ગુમાવ્યા છે અને 131 જવાન ઘાયલ થયા છે તેમાં ઘણાએ હાથ-પગ ગુમાવવાનો વારો આવ્યો છે.
સંરક્ષણ મંત્રાલયને સોંપાયેલા આંતરિક અહેવાલમાં કહેવાયું છે કે 960 કરોડ રૂપિયાના શસ્ત્રો તેની એક્સપાયરી ડેટ પહેલાં જ ખરાબ થઈ ગયા છે. જે કોમ્બેટ ડ્રેસ બજારમાં 1500 રૂપિયામાં મળે છે તેના આર્મીએ 3300 સો રૂપિયા ચૂકવ્યા છે. આમ સેનાએ ખરાબ ક્વોલિટીના ગોલાબારૂદ ખરીદવા 960 કરોડ રૂપિયા બગાડ્યા. એટલી કિંમતમાં સો આર્ટિલરી ગન જવાનોને મળી શકી હોત.
ઓર્ડિનન્સ ફેક્ટરી બોર્ડનું સંચાલન સંરક્ષણ મંત્રાલય હેઠળ થાય છે અને આ બોર્ડ દુનિયાની સૌથી જૂની સરકારી ઓર્ડિનન્સ પ્રોડક્શન યુનિટ પૈકીનું એક છે. જે અંતર્ગત ભારતીય સેના માટે દારૂગોળો બનાવવામાં આવે છે. જેની સેનાએ ગૃહ મંત્રાલયને સોંપ્યો પોતાના આંતરિક રિપોર્ટમાં ટીકા કરવામાં આવી છે..
