ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 03, માર્ચ 2022,
ગુરુવાર.
રશિયા અને યુક્રેન વચ્ચે સતત આઠમા દિવસે યુદ્ધ ચાલુ છે. રશિયાના હુમલાથી ખરાબ રીતે પ્રભાવિત યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પાછા લાવવા માટે સરકાર દ્વારા ઓપરેશન ગંગા હાથ ધર્યું છે ત્યારે રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા જંગનો પડઘો આજે સુપ્રીમ કોર્ટમાં પડ્યો છે.
પ્રાપ્ત જાણકારી મુજબ યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને સુરક્ષિત લાવવા માટે એક વકીલે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો અને ભારત સરકારને નિર્દશ આપવાની અપીલ કરી. જેના પર ચીફ જસ્ટિસ એન વી રમનાની અધ્યક્ષતાવાળી પેનલે કહ્યું કે ભારત સરકાર ભારતીયોને બહાર કાઢવા માટે પોતાનું કામ કરી રહી છે. સાથે સાથે તેમણે એમ પણ કહ્યુ હતુ કે, યુક્રેન અને રશિયા વચ્ચેના જંગમાં કોર્ટ કશું કરી શકે તેમ નથી.
પિટિશન કરનારાના વકીલે દાવો કર્યો હતો કે, વિદ્યાર્થીઓને રોમાનિયામાં પ્રવેશ કરતા રોકવામાં આવી રહ્યા છે. કડકડતી ઠંડીમાં વિદ્યાર્થીઓ ફસાયેલા છે. વકીલે કહ્યુ હતુ કે, ભારત સરકારની ફ્લાઈટો હંગેરી અને પોલેન્ડથી ભારતીયોને લાવી રહી છે અને રોમાનિયાથી નહીં. ત્યારે કોર્ટે કહ્યુ હતુ કે, અમને બધા સાથે સહાનુભૂતિ છે પણ તેમાં કોર્ટ શું કરી શકે… શું કોર્ટ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને યુધ્ધ રોકવા માટે સૂચના આપે?
ઉલ્લેખનીય છે કે પીએમ મોદીએ બુધવારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ફરી એકવાર વાત કરી હતી અને યુક્રેનથી ભારતીયોની સુરક્ષિત વાપસી પર ચર્ચા કરી હતી. પીએમઓ તરફથી જારી કરાયેલા એક નિવેદનમાં કહેવાયું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે ફોન પર વાત કરી. બંને નેતાઓએ યુક્રેનની સ્થિતિની સમીક્ષા કરી, ખાસ કરીને ખારકીવની જ્યાં મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ ફસાયેલા છે. તેમણે યુદ્ધગ્રસ્ત ક્ષેત્રથી ભારતીય નાગરિકોને સુરક્ષિત કાઢવા મામલે પણ ચર્ચા કરી હતી.