ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યૂરો
મુંબઈ
28 ઓગસ્ટ 2020
કોરોના વાયરસની મહામારી વચ્ચે સુપ્રીમ કોર્ટે આજે મોટો નિર્ણય આપ્યો છે. દેશની તમામ યુનિવર્સિટીમાં ફાઈનલ ઈયરની પરીક્ષાઓને મંજૂરી આપી દીધી છે. જો કે કોરોનાથી વધારે સંક્રમિત ક્ષેત્રોમાં કેટલીક છૂટછાટ આપવામાં આવી શકે છે. સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં જણાવ્યું છે કે કોલેજના અંતિમ વર્ષની પરીક્ષા 30 સપ્ટેમ્બર સુધીમાં લેવામાં આવશે. કોર્ટે કહ્યું કે, 'રાજ્યો અંતિમ વર્ષની પરીક્ષાઓ વગર વિદ્યાર્થીઓને પ્રમોશન ન આપી શકાય.’ કોર્ટે વધુમાં કહ્યું હતું કે, ‘કોરોનાના કટોકટીના સમયગાળા દરમિયાન પરીક્ષાઓ લેવામાં મુશ્કેલી અનુભવતા રાજ્યો યુજીસી સમક્ષ પરીક્ષા મુલતવી રાખવા માટે અરજી કરી શકે છે. પરંતુ પરીક્ષાઓ તો મોડી વહેલી લેવાશે જ.'
ઉલ્લેખનીય છે કે કોરોનાના સંક્રમણને ધ્યાનમાં રાખી મહારાષ્ટ્રમાં આદિત્ય ઠાકરેની યુવા સેના સહીત અનેક લોકોએ, તમામ પરીક્ષાઓ રદ્દ કરવા મુદ્દે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. અરજીમાં વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓને ટાંકી કહેવામાં આવ્યું હતું કે 'કોરોના કાળને લીધે ઉભા થયેલા સંકટને પગલે તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ થઈ ગઈ છે અને કોરોનાના કેસો હજુ પણ સતત વધી રહ્યાં છે. આ સ્થિતિમાં પરીક્ષા યોજવી એટલે કોરાનાને નિમંત્રણ આપવું.' અરજીમાં એવી પણ દલીલ કરવામાં આવી હતી કે વિદ્યાર્થીઓએ 5 સેમેસ્ટર પૂર્ણ કર્યા છે અને તેમના ક્યુમ્યુલેટિવ ગ્રેડ પોઇન્ટ એવરેજ એટલે કે CGPA છે, જે ફાયનલ પરીક્ષાઓ લીધા વગર પરિણામ જાહેર કરવા માટે આ CGPA પૂરતા છે.
નોંધનીય છે કે 18 ઓગસ્ટે સુનાવણી બાદ કોર્ટે આ નિર્ણયને મોકૂફ રાખ્યો હતો. દરેક પક્ષે પોતાની દલીલ રાખ્યા બાદ હવે સુપ્રીમ કોર્ટે ઉપરોક્ત નિર્ણય આપ્યો છે.
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com